દક્ષિણ આફ્રિકા સામે રવિવારની મેચમાં વિરાટ કોહલીની રેકોર્ડબ્રેકિંગ 52મી વન-ડે સદીની મદદથી ભારતની 17 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. ગયા અઠવાડિયે પ્રવાસી ટીમે ટેસ્ટમાં ક્લીન સ્વીપ કર્યા બાદ યજમાન ટીમે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં વિજયી શરૂઆત કરી હતી.
ટેસ્ટ અને ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ભૂતપૂર્વ કેપ્ટન કોહલી અને રોહિત શર્માએ બીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરીને રાંચીના દર્શકોને ખુશ કર્યા હતા અને ભારતને દક્ષિણ આફ્રિકાને જંગી 350 રનનો આપ્યો હતો. ભારતે દક્ષિણ આફ્રિકા સામે 8 ગુમાવીને 349 રન કર્યા હતાં. ભારત તરફથી વિરાટ કોહલીએ 135 રન અને રોહિત શર્માએ 51 બોલમાં 57 રન બનાવ્યાં હતાં. દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ આ તોતિંગ રનને ચેઝ કરવામાં નિષ્ફળ ગયા હતા અને તેઓની ઇનિંગ્સ 332 રને સમેટાઇ ગઇ હતી.
નિવૃત્તિની અટકળો વચ્ચે ભારતના આ બંને બેટરે આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટમાં પોતાનું સુસંગતતા પુરવાર કરી હતી. 36 વર્ષીય કોહલીએ સાત સિક્સ અને 11 ફોર સાથે 120 બોલમાં 135 રન બનાવ્યા હતા. તેને રોહિત શર્મા સાથે 135 રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલી હવે T20Iનો ભાગ નથી, અને આગામી આઠ મહિનામાં ભારત માટે ફક્ત છ ODI મેચો જ બાકી છે, તેથી હવે આ ફોર્મેટમાં દરેક પ્રવાસનું મહત્વ વધી જાય છે. યશસ્વી જયસ્વાલના ૧૮ રન નાંદ્રે બર્ગરની બોલિંગમાં આઉટ થયા પછી કોહલી મેદાનમાં ઉતર્યો હતો. રૂતુરાજ ગાયકવાડ (8) અને વોશિંગ્ટન સુંદર સારો દેખાવ કરી શક્યા ન હતાં.
કુલદીપ યાદવે પોતાના કાંડાની કમાલનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 68 રનમાં દ.આફ્રિકાના 4 ખેલાડીઓને પેવેલિયન ભેગાં કરી દીધા હતા જ્યારે હર્ષિતે પણ 62 રન આપીને ત્રણ વેકેટ ખેરવીને ભારતના વિજયમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકાની 3 વિકેટ ફક્ત 11 રને પડી ગઇ હતી જેના પગલે તેના ખેલાડીઓ માનસિક દબાણમાં આવી ગયા હતા પરંતુ મેથ્યુ બ્રિટ્ઝકીએ 72 રન ફટકારી અને માર્કો જેન્સને 70 રન ફટાકારીને પોતાની ટીમનો આત્મવિશ્વાસ પરત લાવ્યા હતા.














