(ANI Photo)

દિલ્હી 2021માં સતત ચોથા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની છે. હવાના પ્રદૂષણના સંદર્ભમાં ભારત માટે બીજી ચેતવણીજનક બાબત છે કે વિશ્વના સૌથી પ્રદૂષિત ટોચના 50 શહેરોની યાદીમાં ભારતના 35 શહેરો સામેલ છે. આ ઉપરાંત ભારતનું એકપણ શહેર વિશ્વ આરોગ્ય સંસ્થાના હવાની ગુણવત્તાના ધોરણો મુજબની એર ક્વોલિટી ધરાવતા નથી.

સ્વીસ કંપની આઇક્યુએર દ્વારા તૈયાર કરવામાં આવેલા વર્લ્ડ એર ક્વોલિટી રીપોર્ટ 2021 મુજબ 2021માં ભારતનું એક પણ શહેર વિશ્વ આરોગ્ય સંગઠનના ઘનમીટર દીઠ 5 માઇક્રોગ્રામના ધોરણમાં આવતા નથી. આ રીપોર્ટ મંગળવારે વૈશ્વિક સ્તરે જારી કરવામાં આવ્યો હતો.

2021માં વૈશ્વિક હવાની ગુણવત્તાની સ્થિતિની સમીક્ષા રજૂ કરતો આ અહેવાલ 117 દેશના 6,475 શહેરોના પીએમ.25 એર ક્વોલિટી ડેટા આધારિત છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર સૌથી વધુ પ્રદૂષિત રાજધાની શહેરમાં દિલ્હી પછી બીજો ક્રમ ઢાકાનો આવે છે. આ પછીના ક્રમે અનુક્રમે ચાડના એનડીજેમેના, તાજિકિસ્તાનના દુશાંબે અને ઓમાનના મસ્કત છે.

નવી દિલ્હીમાં પીએમ2.5 કોન્સેન્ટ્રેશન્સમાં 14.6 ટકાનો વધારો થયો હતો. તેનું પ્રમાણ ઘનમીટર દીઠ 96.4 માઇક્રોગ્રામ થયું હતું, જે 2020માં ઘનમીટર દીઠ 84 માઇક્રોગ્રામ હતું. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 50 શહેરોની યાદીમાં પણ ભારતના શહેરોની સંખ્યા વધુ છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 50 શહેરોની યાદીમાં 35 શહેરો ભારતના છે.

વાર્ષિક ધોરણે ભારતનું સરેરાશ પીએમ2.5 લેવલ 2021માં ઘનમીટર દીઠ 58.1 માઇક્રોગ્રામે પહોંચ્યું હતું. આમ હવાની ગુણવત્તામાં સુધારાના ત્રણ વર્ષના ટ્રેન્ડને અંત આવ્યો છે. 2021માં ભારતનું વાર્ષિક સરેરાશ પીએમ2.5 લેવલ 2019માં માપવામાં આવેલા પ્રિ-ક્વોરેન્ટાઇન લેવલે પરત આવ્યું હતું.

અહેવાલમાં જણાવ્યા અનુસાર ચેતવણીજનક બાબત છે કે 2021માં ભારતનું એકપણ શહેર WHOએ નિર્ધારિત કરેલા માપદંડમાં આવતું નથી. આ ભારતના તમામ શહેરોમાં પ્રદૂષણનું સ્તર ઊંચું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઘનમીટર દીઠ 5 માઇક્રોગ્રામનું લેવલ નિર્ધારિત કરેલું છે. ભારતના 48 ટકા શહેરોમાં હવાની ગુણવત્તાનું સ્તર ઘનમીટર દીઠ 50 માઇક્રોગ્રામ કરતાં વધુ રહ્યું હતું, જે WHOના ધોરણો કરતાં આશરે 10 ગણું વધુ છે.

આઇક્યુએરના તાજેતરના ડેટા અંગે પ્રતિક્રિયા આપતા ગ્રીનપીસ ઇન્ડિયાના કેમ્પેઇન મેનેજર અવિનાશ ચંચલે જણાવ્યું હતું કે આ અહેવાલ સરકારો અને મહાનગરપાલિકાઓ માટે ખતરાની ઘંટડી સમાન છે. આ અહેવાલ ફરીએકવાર હાઇલાઇટ કરી છે કે લોકો જોખમી પ્રદૂષિત હવાને શ્વાસમાં લે છે. વાહનોનું ઉત્સર્જન હવાના પ્રદૂષણમાં વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં વાહનોના વાર્ષિક વેચાણમાં વધારો થવાની ધારણા છે, તેથી જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો હવાની ગુણવત્તા વધુ ખરાબ થવાની ધારણા છે. હવાના પ્રદૂષણથી વ્યક્તિના આરોગ્યને મોટી અસર થાય છે અને તે વાતાવરણની આપત્તિ ઝડપથી આવી રહી હોવાનો મુખ્ય સંકેત છે. તેમણે પરિવહન માટે પર્યાવરણલક્ષી વાહનો તરફ વળવાની અને રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત દર્શાવી છે.