(Photo by Kerry Marshall/Getty Images)

ભારતની મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ કપ ક્રિકેટની લીગ મેચમાં મંગળવારે (22 માર્ચ) બંગલાદેશને 110 રને હરાવી સેમિફાઈનલમાં પ્રવેશની ટીમની આશા જીવંત રાખી હતી. હવે રવિવારે સાઉથ આફ્રિકા સામેની છેલ્લી લીગ મેચમાં ભારતે જીતવું જ પડે. ભારતે અત્યાર સુધીમાં છ મેચમાંથી ત્રણમાં વિજય નોંધાવ્યો છે, તો ત્રણમાં તેનો પરાજય થવાના પગલે છ પોઈન્ટ સાથે તે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે રહેલી વેસ્ટ ઈન્ડિઝ ( છ મેચમાંથી ત્રણમાં વિજય સાથે છ પોઈન્ટ) અને પાંચમા ક્રમે રહેલી ઈંગ્લેન્ડ (પાંચ મેચમાંથી બેમાં વિજય સાથે ચાર પોઈન્ટ) ભારત માટે જોખમી બની શકે છે.

બંગલાદેશ સામે ભારતીય ટીમનો આ સતત પાંચમો વિજય છે. સુકાની મિતાલી રાજે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો અને યસ્તિકા ભાટિયાની અડધી સદી સાથે ભારતે 7 વિકેટે 229 રન કર્યા હતા. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ 74 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી, પણ એ પછી ઝડપથી ત્રણ વિકેટ ગુમાવતા ભારત મુશ્કેલીમાં મુકાયું હતું. એ પછી યસ્તિકા ભાટિયાએ ઋચા ઘોષ સાથે પાંચમી વિકેટની ભાગીદારીમાં 54 રન કર્યા હતા.

એ પછી બંગલાદેશની ઈનિંગની તો શરૂઆત જ કંગાળ રહી હતી. 35 રનમાં તો ભારતે હરીફની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. સલમા ખાતુન અને લતા મોંડલે થોડી બાજી સંભાળી હતી. ખાતુને બંગલાદેશ તરફથી સૌથી વધુ, 32 રન કર્યા હતા. ભારત તરફથી સ્નેહ રાણાએ ચાર, ઝુલન ગોસ્વામી અને પૂજા વસ્ત્રાકરે બે-બે વિકેટ લીધી હતી.

આ અગાઉની મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે પરાજય થયો હતો. તો મંગળવારે જ ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને પાંચ વિકેટે હરાવ્યું હતું.