વિશ્વભરમાં પ્રદૂષણના મામલે દિલ્હી, મુંબઇ અને કોલકાતાએ મોખરાનું સ્થાન મેળવ્યું છે. દિવાળી પછી ખરાબ થયેલા વાતાવરણને કારણે દિલ્હીનું પ્રદૂષણ ખૂબ જ જોખમી સ્તરે પહોંચ્યું છે. વિશ્વના સૌથી પ્રદૂષિત 10 શહેરોમાં દિલ્હી પ્રથમ નંબરે. આ યાદીમાં મુંબઈ અને કોલકાતાનો પણ સમાવેશ થાય છે. સ્વિટ્ઝર્લેન્ડના ક્લાઈમેટ ગ્રૂપ- IQAir દ્વારા આ નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ ગ્રૂપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર અભ્યાસ કરે રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં ટેક્નોલોજી ભાગીદાર છે. આ યાદીમાં પાકિસ્તાનનું લાહોર અને ચીનનું ચેંદગુ શહેર પણ સામેલ છે. દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તર માટે સ્થાનિક વાહન પ્રદૂષણ અને પંજાબ-હરિયાણામાં પરાલી સળગાવવાના મુદ્દાને જવાબદાર માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આ તમામ રાજ્યોની સરકારો વચ્ચે પરાલી સળગાવવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.
દિલ્હીમાં એર ક્વોલિટી લેવલ (AQI) 476 સુધી પહોંચ્યું છે, જેનો ગંભીર શ્રેણીમાં સમાવેશ થાય છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ચેતવણી આપી હતી કે વીકએન્ડમાં હવાની ગુણવત્તા ગંભીર બની રહેશે. રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓએ શાળાઓ બંધ કરવા, ખાનગી કાર પર ‘ઓડ-ઇવન’ અમલ અને તમામ પ્રકારનાં બાંધકામ બંધ કરવા સહિતનાં કટોકટીનાં પગલાં લેવા જોઈએ. બોર્ડના જણાવ્યા પ્રમાણે દિલ્હીનું વાતાવરણ હવામાં ફેફસાને નુકસાન પહોંચાડતા ખૂબ જ બારિક રજકણોનું સ્તર રાત્રે ગંભીર સ્થિતિમાં હતું, જેના કારણે ફેફસાંનું કેન્સર અને શ્વાસના ગંભીર રોગોનું થઇ શકે છે.