કોરોના મહામારીને કારણે ગંભીર અસર પામેલા જાપાનની આર્થિક વ્યવસ્થાને સુધારવા 40 ટ્રિલિયન યેન (350 બિલિયન ડોલર)ની જરૂર પડશે સ્થાનિક મીડિયા માને છે. દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર અત્યારે ઓઇલની વધતી કિંમતને કારણે પણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. આવતા વર્ષે જાપાનમાં યોજાનાર પાર્લામેન્ટની ચૂંટણી અગાઉ વડાપ્રધાન ફૂમિયો કિશિડાની સરકાર પર સહાય જાહેર કરવા અંગે દબાણ હોવાનું માનવામાં આવે છે. 19 નવેમ્બરે આ પેકેજની વિગતો જાહેર કરાશે.
સરકાર આ પેકેજ અંતર્ગત દસ ટ્રિલિયન યેનનું ભંડોળ સાયન્સ અને ટેકનોલોજિકલ સંશોધનને વેગ આપવા માટે યુનિવર્સિટીઓને આપશે. 18 વર્ષ કે તેથી નાની વયના યુવાનોને પણ રોકડ આપવા માટે બે ટ્રિલિયન યેનની જોગવાઇ છે. આ સ્થિતિમાં સરકારે કોરોનાની નવી લહેરને ધ્યાનમાં રાખીને જુદી જુદી હોસ્પિટલમાં 37,000 બેડ વધારવાની વ્યવસ્થા કરી છે. જાપાનમાં માથાદીઠ બેડની સંખ્યા વધુ હોવા છતાં કોરોનાના દર્દીઓ માટે 20 ટકા જ ફાળાવાયા હતા.