–              લૌરેન કૉડલિંગ દ્વારા

કોવિડ-19 માટે આપવામાં આવતી રસી ભારતના ચેપી કોરોનાવાયરસ વેરિયન્ટ સામે પૂરતું રક્ષણ આપી શકે છે તેવી સ્પષ્ટતા નિષ્ણાંત તજજ્ઞો દ્વારા થશે પછી બ્રિટન ભારતથી આવતા લોકોની મુસાફરી પર લાદેલો પ્રતિબંધ હટાવી લેશે એવું યુકેના ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે સૂચન કર્યું હતું. જો કે આ પ્રતિબંધ ક્યારે હટાવવામાં આવશે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને અખબારી અહેવાલો જોતા તે નજીકના ભવિષ્માં તે શક્ય પણ લાગતું નથી.

બ્રિટનના લોકોને કોરોનાવાયરસના નવા વેરિયન્ટ સામે રક્ષણ આપવા માટે એપ્રિલમાં બ્રિટન દ્વારા ભારતને પ્રવાસ માટેના પ્રતિબંધના રેડ લીસ્ટમાં મૂકાયું હતું. ભારતીય ઉપખંડ હજુ પણ વિનાશક બીજા કોવિડ તરંગ સામે લડત લડી રહ્યો છે, જેના કારણે તાજેતરના અઠવાડિયાઓમાં હોસ્પિટલો દર્દીઓથી અને કેટલાક શહેરોના સ્મશાનગૃહો કોવિડ-19 મૃતકોથી ઉભરાઇ ગયા હતા.

ગયા ડિસેમ્બરમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા શ્રી રાબે ગુરૂવાર તા. 3ના રોજ કોન્ઝર્વ્ટીવ ફ્રેન્ડ્ઝ ઓફ ઇન્ડિયાની વર્ચુઅલ ઇવેન્ટ દરમિયાન જણાવ્યું હતું કે ‘’ભારતીય વેરિયન્ટ (જે હવે ડેલ્ટા તરીકે ઓળખાય છે) સામે રસીની અસર અંગે પુરાવા એકત્રિત કરવાની જરૂર છે. એકવાર જોખમ સ્પષ્ટ થઈ જાય પછી, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવા અંગે વધુ સ્પષ્ટતા થશે. પ્રતિબંધોને ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સ્તરે હળવા કરવા બાબતે સાવચેતીભર્યો અભિગમ અપનાવવો મને યોગ્ય લાગે છે. યુકે સરકાર જે તે દેશને રેડ લીસ્ટમાં શક્ય તેટલા મર્યાદિત સમય માટે રાખવા માંગતી હતી. પરંતુ અમારી પ્રાથમિકતા દેશના લોકોની સુખાકારીનું રક્ષણ કરવાની છે.’’

શ્રી રાબે બ્રિટીશ સામ્રાજ્યની ભૂમિકા સહિત ભારત સાથેના ઇતિહાસની નોંધ લેતાં જણાવ્યું હતું કે મને બ્રિટીશ ઇતિહાસ પર ગર્વ છે, પરંતુ માન્યું હતું કે તે સંપૂર્ણપણે સકારાત્મક નથી. તેમણે કહેવાતા ‘કેન્સલ કલ્ચર’ના જોખમો અંગે પણ ચેતવણી આપી હતી.

છેલ્લા 12 મહિનામાં, કેટલાક વિવેચકો બ્રિટિશ ઇતિહાસના “વ્હાઇટવોશિંગ” વિષે દલીલો કરી રહ્યા છે અને કોલોનીસ્ટ્સની મૂર્તિઓ અને તકતીઓને ઉતારવા માટે પીટીશન્સ કરી રહ્યા છે. ગયા મહિને, ઑક્સફર્ડ યુનિવર્સિટી કૉલેજે કહ્યું હતું કે તે 19મી સદીના કોલોનીયલીસ્ટ્સ સેસિલ રહોડ્સની વિવાદિત પ્રતિમાને ઉતારી લેશે નહીં.

વિશ્વવ્યાપી બ્લેક લાઇવ્સ મેટર પ્રદર્શનોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે “જો તમને તમારા ઇતિહાસ પર ડાઘ અથવા કાળા નિશાન મળ્યાં છે, તો કેન્સલ કલ્ચર કહે છે કે તમને તેના પર ગર્વ ન થઈ શકે, પરંતુ મને લાગે છે કે તે નૈતિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે ખોટું છે. જો આપણે તે બાબતે જોયા કરીશું, તો દરેક પેઢી પાછું ફરીને જોશે અને કંઈક શોધી કાઢશે જે તેમને અગાઉની પેઢીના ઇતિહાસને વખોડી નાંખવા માટે પૂરતું જણાશે. મને લાગે છે કે સાચો અભિગમ આંખો ખુલ્લી રાખવાનો હોવી જોઈએ – જે બાબતો પર આપણે ગર્વ અનુભવીએ છીએ તેના પર ગર્વ રાખવો અને જેનો આપણે ગર્વ નથી કરતા તે અંગે ખુલ્લા અને પ્રામાણિક હોવું જરૂરી છે. આપણે મૂળભૂત રીતે, વધુ સારું, સતત કરવા માંગીએ છીએ અને આજ બ્રિટીશ માર્ગ છે.”

શ્રી રાબે પોતાના જીસીએસઇ અને એ લેવલ માટે ઇતિહાસના અભ્યાસનો ઉલ્લેખ કરતાં રાબે જણાવ્યું હતું કે ‘’જ્યારે પણ હું કોઈ નવા દેશની મુસાફરી કરૂ છું ત્યારે ઇતિહાસના નવા ભાગો શીખવામાં ખુશી અનુભવું છું. હું મારા ઇતિહાસને ચાહું છું, પણ શું હું બધું જ જાણું છું? લગભગ ચોક્કસપણે નહીં. જ્યારે પણ હું વિદેશ જતો હોઉં ત્યારે શું હું તેમની બાબતો શીખી શકું છું? હા. અને હું તેની ભાવના અને નિખાલસતા સાથે ત્યાં જઉં છું.”

ફોરેન સેક્રેટરી શ્રી રાબે યુકેમાં બ્રિટીશ ભારતીયોના યોગદાનની અસરની સરાહના કરતાં જણાવ્યું  હતું કે “ચાહે તેઓ ઉદ્યોગસાહસિક હોય, શૈક્ષણિક હોય કે સાંસ્કૃતિક, ભારતીય સંસ્કૃતિક પદ્ધતિ બ્રિટીશ જીવનને વધારે સમૃદ્ધ બનાવે છે. મને લાગે છે કે બ્રિટિશ ભારતીય સમુદાય આ દેશમાં સ્થાનિક રીતે વિશાળ ભૂમિકા ભજવશે.’’

શ્રી રાબે આરોગ્ય અને ટેક્નોલોજી સહિતના અનેક ઉદ્યોગો બાબતે યુકે અને ભારતની નજીકના સહયોગ અને ભાગીદારીનો પણ ઉલ્લેખ કરી વિદેશી સહાયના ભંડોળમાં ઘટાડો કરવાના સરકારના નિર્ણયની ચર્ચા અંગે પોતાના વિચારો શેર કર્યા હતા. વડા પ્રધાન બોરિસ જોન્સને વિદેશને અપાતી સહાય રાષ્ટ્રીય આવકના 0.7 ટકાથી ઘટાડીને 0.5 ટકા કરવાની યોજના બનાવી છે. આ કામચલાઉ ઘટાડાની બંને પક્ષના સાંસદો દ્વારા ભારે ટીકા કરવામાં આવી છે, જેમાં પૂર્વ વડા પ્રધાન થેરેસા મે સહિત કેટલાક ટોરી બળવાખોરોએ જોન્સનને તેમની નીતિ બદલવા વિનંતી કરી હતી.

ટીકાકારોએ ચેતવણી આપી છે કે સરકારની નીતિના પરિણામે વિશ્વભરમાં હજારો લોકો મૃત્યુ પામશે. જો કે શ્રી રાબે ભંડોળમાં ઘટાડો કરવાની સરકારની પસંદગીનું સમર્થન કર્યું હતું અને સ્વીકાર્યું હતું કે અમારો ઇરાદો આ નિર્ણય લેવાનો ન હતો પણ સંજોગોએ અમને મજબૂર કર્યા હતા. જો અમે આપણા દેશના ઘરેલું અને આંતરરાષ્ટ્રીય, તમામ પાસાઓની સમીક્ષા કરી રહ્યા ન હોત, તો મને લાગે છે કે આપણી આકરી ટીકા કરવામાં આવી હોત.”