Gujarat High Court lawyers on strike over judge transfer
(istockphoto.com)

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ચકચારી હત્યાના કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીને CBI કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા હાઈ કોર્ટે સસ્પેન્ડ કરી છે અને સજાની સામેની અપીલ પેન્ડિંગ છે ત્યાં સુધી દીનુ બોઘાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાય અને જસ્ટિસ એ.સી. જોષીની ખંડપીઠે ઠરાવ્યું છે કે, “CBI કોર્ટે દીનુ બોઘાને ધારણા અને અનુમાનને આધારે હત્યા અને કાવતરું ઘડવાના દોષિત ઠેરવીને ફટકારેલી સજા ભૂલ ભરેલી છે. દીનુ બોઘા સામેનો કેસ સાંયોગિક પુરાવાના આધારે ઊભો કરાયો છે અને પુરાવાની કડી સંપૂર્ણપણે મળતી નથી. તેથી ક્યાંય પ્રસ્થાપિત થતું નથી કે દીનુ બોઘાએ ગુનો આચર્યો હોય. તેમને આ રીતે ગુનામાં ખોટી રીતે સંડોવી દેવાયાની બાબત પણ નકારી શકાય નહીં.” હાઈકોર્ટના ચુકાદાથી દીનુ બોઘાને હાલ પૂરતી મોટી રાહત મળી છે.

ખંડપીઠે દીનુ બોઘાને જામીન આપતાં આદેશમાં નોંધ્યું છે કે, “કેસના તમામ મુદ્દાને જોતાં સ્પષ્ટ થાય છે કે, CBI કોર્ટનો આદેશ ધારણા પર ટકેલો છે. તેથી અરજદાર દીનુ બોઘાની સજા સામેની અરજીને ગ્રાહ્ય રાખવામાં આવે છે અને જ્યાં સુધી અપીલનો નિકાલ ના થાય ત્યાં સુધી તેમની આજીવન કેદની સજાને મોકૂફ રાખવામાં આવી છે. તેમને એક લાખના પર્સનલ બોન્ડ અને તેટલી જ રકમની સ્યોરિટી પર જામીન મુક્ત કરવામાં આવે છે. જોકે, કોર્ટની પૂર્વ મંજૂરી વિના તેઓ ભારત છોડી શકશે નહીં અને જેલ મુક્ત થયાના 15 દિવસમાં પાસપોર્ટ જમા કરાવાનો રહેશે.”
અમિત જેઠવા રાઈટ ટુ ઈન્ફોર્મેશન (આરટીઆઈ) એક્ટિવિસ્ટ હતા અને જુલાઈ 2010માં હાઈકોર્ટની સામેના કોમ્પલેક્સ ખાતે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં ભાજપના સાંસદ દીનુ બોઘા સહિતના આરોપીઓને દોષિત ઠેરવીને CBI કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.