istockphoto.com

કોરોના વાઇરસ મહામારીને કારણે વિશ્વભરનું અર્થતંત્ર ગંભીર રીતે ખોરવાયું છે. દરેક નાના-મોટા બિઝનેસને તેની અસર પહોંચી છે અને લોકો બેરોજગાર બની રહ્યા છે. આ દરમિયાન મનોરંજન ક્ષેત્રની દિગ્ગજ કંપની ડિઝનીના જુદા જુદા થીમ પાર્કમાંથી 28 હજાર કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવાયો છે. આ કંપનીએ જાહેરાત કરી હતી કે, કોરોના વાઇરસ મહામારીની લાંબી અસરને ધ્યાનમાં રાખીને અમેરિકાના મોટાભાગના થીમ પાર્કમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવશે.

ડિઝની પાર્કના ચેરમેન જોશ ડી આમરોએ જણાવ્યું હતું કે, કાર્યવાહી ખૂબ જ દુઃખદાયક છે. પરંતુ કોરોના મહામારીને કારણે ખરાબ રીતે અસર પામેલા બિઝનેસની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનો પ્રતિબંધ, ઓછામાં ઓછા કર્મચારીઓથી બિઝનેસ ચલાવવો અને મહામારી લાંબા સમય સુધી યથાવત રહેવાના વાતાવરણમાં આ એક જ સંભવિત વિકલ્પ છે. કેલિફોર્નિયા અને ફ્લોરિડામાં મહામારી અગાઉ ડિઝની થીમ પાર્ક્સમાં 110,000 જેટલા કર્મચારીઓ હતા. છટણીની નવી જાહેરાત પછી કર્મચારીઓની સંખ્યા 82 હજાર થઇ જશે. ડી આમારોએ એક નિવેદનમાં જણાવ્યું કે, કેલિફોર્નિયામાં અત્યારે સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવાની કોઇ સંભાવના દેખાતી નથી, જેથી ડિઝનીલેન્ડ ફરીથી શરૂ થઇ શકે. આથી છટણીનો નિર્ણય લેવો પડ્યો છે.