(Photo by Jack Taylor/Getty Images)

યુકેની આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત મહિલાઓ અને વંશીય લઘુમતીના સાંસદોની સંખ્યા 65થી વધીને ઓછામાં ઓછા 75થી 83 જેટલી થવા સાથે આગામી સંસદ ઇતિહાસમાં સૌથી વધુ વૈવિધ્યસભર સંસદ બની રહેશે એમ અગ્રણી રેસ અને ડાયવર્સીટી થિંક ટેન્ક બ્રિટિશ ફ્યુચરે જણાવ્યું છે. જો કે પસંદગીનો દર અટકી ગયો હોવાથી આપણા સમાજને પ્રતિબિંબિત કરતા એથનિક માઇનોરીટી અને જેન્ડર રિપ્રેઝન્ટેશનની ખાઇને પૂરવાની તક કદાચ ચૂકી જવાશે.

મુખ્ય પક્ષોએ હવે જીતી શકાય તેવા લક્ષીત મતક્ષેત્રો અને વહેલી નિવૃત્તિ લેનાર એમપીઓની બેઠકો માટે 90 ટકા જેટલા ઉમેદવારોની પસંદગી કરી લીઘી છે. વંશીય લઘુમતી પ્રતિનિધિત્વમાં અંદાજિત વધારો 10 ટકાથી લગભગ 12 ટકાનો કરાયો છે. જે બ્રિટિશ રાજકારણમાં વંશીય વિવિધતાના નવા ક્રોસ-પાર્ટી ધોરણને પ્રતિબિંબિત કરે છે.

જો લેબર પાર્ટી સામાન્ય ચૂંટણીમાં વધુ બેઠકો કે એકંદર બહુમતી મેળવવામાં સફળ થશે તો કોમન્સમાં પ્રથમ વખત 250થી વધુ મહિલા એમપી હશે. 2019માં આ સંખ્યા 220 હતી. જો લેબર 326 બેઠકો જીતશે તો અંદાજિત 254 મહિલા સાંસદો સંસદમાં બેસશે. મોડી પસંદગી કરાય અથવા જો લેબર બહુમતી માટે પૂરતી બેઠકો જીતશે તો તે આંકડો સરળતાથી 40 ટકાથી વધી શકે છે. 2005-10ની સંસદમાં માત્ર પંદર વંશીય લઘુમતી સાંસદો હતા પણ બ્રિટિશ ફ્યુચર પ્રોજેક્શન માત્ર દોઢ દાયકામાં સાંસદોની સંખ્યામાં પાંચ ગણો વધારો સૂચવે છે. નવી સંસદમાં ત્રીજા કરતા વધુ સાંસદો નવા ચૂંટાયેલા હોઈ શકે છે.

2024ની સામાન્ય ચૂંટણી “મોટુ પરિવર્તન” લાવે તેવી સંભાવના છે કેમ કે 84 જેટલા સાંસદોએ ફરીથી ચૂંટણી નહિં લડવાની પહેલેથી જ જાહેરાત કરી હોવાથી સત્તાધારી પક્ષના મતો અને બેઠકો વિરોધ પક્ષ તરફ સ્વિંગ થવાની સંભાવના છે. સાંસદોનું ઊંચું ટર્નઓવર વધુ વંશીય વિવિધતા અને લિંગ સંતુલન તરફની પ્રગતિને વેગ આપવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ મોટાભાગની પાર્ટીઓમાં આ વખતે મહિલા અને વંશીય લઘુમતી ઉમેદવારોની પસંદગીના ઓછા પ્રમાણમાં કરાઇ હોવાથી તે ઘટી શકે છે.

આ સંસદમાં કન્ઝર્વેટિવ, લેબર અને લિબ ડેમ પાર્ટીમાં મહિલાઓની પસંદગીનો દર ઘટ્યો છે. ત્રણેય પક્ષોમાં 60 ટકાથી વધુ ‘ક્લાસ ઓફ 2024’ ઉમેદવારો પુરૂષ છે. લેબર પાર્ટી કોમન્સમાં વંશીય લઘુમતી પ્રતિનિધિત્વ પર સૌથી મજબૂત રેકોર્ડ ધરાવે છે. આ વખતે વર્તમાન સંસદીય લેબર પાર્ટી 12 ટકા વંશીય લઘુમતી ઉમેદવારોની પસંદગી કરી રહી છે તો કોન્ઝર્વેટીવ્સનો દર પણ નવા ઉમેદવારો માટે 12% છે, જે વર્તમાન સાંસદોના જૂથમાં 6 ટકા હતો.

બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કાટવાલાએ કહ્યું હતું કે “આગામી સંસદ અત્યાર સુધીની સૌથી વધુ વૈવિધ્યસભર હશે, જે રાજકીય પક્ષોમાં નવા ધોરણને પ્રતિબિંબિત કરશે. કોમન્સમાં પહેલાં કરતાં વધુ વંશીય લઘુમતીના સાસંદો અને વધુ મહિલાઓ બેસે તેવી શક્યતા છે. પ્રગતિ હોવા છતાં, પક્ષો 2024માં ‘મોટા પરિવર્તન’ સમાન ચૂંટણીના મોજા પર સવાર થવાની અને પ્રતિનિધિત્વ માટે નવા લાભો લાવવાની તક ગુમાવી શકે છે. પ્રથમ વખત નવા લેબર સાંસદોનો સમૂહ વર્તમાન PLP કરતા ઓછો વૈવિધ્યસભર હોઈ શકે છે. સંસદ અને રાજકીય પક્ષોએ વંશીયતા અને સામાજિક વર્ગ પર ડેટા એકત્રિત કરવો જોઈએ, પ્રતિનિધિત્વને ટ્રૅક કરવા, અંતરને ઓળખવા અને તમામ જૂથોને યોગ્ય તક મળી રહી છે તેની ખાતરી કરવી જોઈએ.”

લેબર પાર્ટી પાસે અત્યાર સુધીમાં સૌથી વધુ સંખ્યામાં વંશીય લઘુમતી સાંસદો હોવાનો અંદાજ છે – જો પક્ષ એકંદર બહુમતીથી જીતશે તો લગભગ 21 કન્ઝર્વેટિવની સરખામણીમાં 55 લેબર એમપી થવાનો અંદાજ છે.

વર્તમાન 65 વંશીય લઘુમતી સાંસદોમાંથી લગભગ 60 સાંસદો ફરીથી ઊભા રહે તેમ છે. જેઓ સુરક્ષિત બેઠકોનું પ્રતિનિધિત્વ કરે તેવી શક્યતા વધુ હોવાથી, મોટા ભાગના ફરીથી ચૂંટાઈ આવવાની પ્રબળ તક છે. 2019ની ચૂંટણીમાં 37 વંશીય લઘુમતી મહિલાઓ સાથે 66 વંશીય લઘુમતી સાંસદો ચૂંટાયા હતા. જે એક ‘ડાઇવર્સ માઇલસ્ટોન’ છે. કારણ કે પ્રથમ વખત 10 ટકા સાંસદો વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી હતા. તે રેકોર્ડ આવતા વર્ષે ફરી એકવાર વટાવી જશે તેવું લાગે છે.

LEAVE A REPLY

one × 3 =