ભારત સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ કમર્શિયલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ જુનના અંત સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, વંદે ભારત મિશન અને ભારત તેમજ અન્ય કેટલાક દેશો વચ્ચે સહમતીથી ફ્લાઈટ્સનું સંચાલન થઇ રહ્યું છે તે યથાવત રહેશે. સરકારના નિયમ પ્રમાણે યોગ્યતા ધરાવતા મુસાફરો ભારતમાં આવનજાવન કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે 23 માર્ચ, 2020ના રોજ ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ કરવામાં આવી હતી.
કોરોના વાઇરસ મહામારીના કારણે ઇન્ટરનેશનલ કમર્શિયલ ફ્લાઈટ્સ પર મુકાયેલા પ્રતિબંધને 15 મહિના પસાર થઈ ગયા છે, પણ પરિસ્થિતિ જોતા સરકાર હજુ આ મામલે કોઈ છૂટછાટ આપવા ઇચ્છતી નથી.
સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને જણાવ્યું છે કે, ભારત આવતી અને ભારતથી વિદેશ જતી ઇન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ પરના પ્રતિબંધને 30 જુન, 2021ના રાત્રિના 11.59 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણય આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન તેમજ ડીજીસીએ દ્વારા ખાસ માન્યતા પ્રાપ્ત ફ્લાઈટ્સ પર લાગુ નહી પડે. આંતરરાષ્ટ્રીય કર્મશિયલ ફ્લાઈટ્સને પસંદગીના રૂટ પર સંબંધિત જવાબદાર સત્તાધીશો દ્વારા કેસ ટુ કેસ બેઝ પર મંજુરી મળી શકે છે.
છેલ્લા એક વર્ષમાં ભારતે અનેક દેશોમાં અટવાયેલા નાગરિકોને પરત લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ ફ્લાઈટ્સ મોકલી હતી. કેટલાક દેશો સાથે ભારતે ‘એર બબલ’ સ્થાપિત કર્યું હોવાથી ત્યાંથી ફ્લાઈટનું આવાગમન થતું હોય છે. મહામારીમાં 20 દેશોએ ભારતથી આવતી ફ્લાઈટસ પર પ્રતિબંધ મૂક્યો છે કે ભારતથી આવનારા પ્રવાસીઓ પર કડક નિયંત્રણો લાદ્યા છે.