અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસ પર આવી રહ્યા છે અને તેમના પ્રવાસની શરુઆત અમદાવાદથી થઈ રહી છે. આ બધાની વચ્ચે હવે અમદાવાદમાં ટ્રમ્પના સ્વાગત માટે કરાઈ રહેલા કરોડોના ખર્ચા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પોતાના ભવ્ય સ્વાગતને લઈને ભારે ઉત્સાહમાં છે ત્યારે કોંગ્રેસે એવો પણ સવાલ કર્યો છે કે ટ્રમ્પ કોના બોલાવવા પર અમદાવાદ આવી રહ્યા છે?ટ્રમ્પે પોતે જાહેરમાં એકથી વધુ વખત એ વાત સ્વીકારી છે કે તેઓ ભારતના પ્રવાસને લઈને ઉત્સાહિત છે.

 

તેમના સ્વાગત માટે કરવામાં આવી રહેલી તૈયારીને લઈને તેઓ ઘણાં જ ભારત આવવા માટે ઘણાં ઉત્સાહી છે. જોકે, કોંગ્રેસના પ્રવક્તાએ આ બધાની વચ્ચે અઘરા સવાલ કર્યા છે. સુરજેવાલાએ એવો સવાલ કર્યો છે કે, નાગરિક અભિનંદન સમિતી કોણ છે, તેના સભ્યો કોણ છે? જો ટ્રમ્પને એક ખાનગી સંગઠન દ્વારા બોલાવવામાં આવી રહ્યા છે તો પછી ગુજરાત સરકાર આટલા કરોડોનો ખર્ચો શા માટે કરી રહી છે?કોંગ્રેસના પ્રવક્તાએ સવાલ કર્યો છે કે મોદી સરકારે જવાબ આપવો જોઈએ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને અમદાવાદની ઈવેન્ટ માટે કોઈ આમંત્રણ આપ્યું છે.

શા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે તેમને મોદીએ બોલાવ્યા છે, પરંતુ વિદેશ વિદેશ મંત્રાલય કહે છે કે આ કોઈ સત્તાવાર કાર્યક્રમ નથી. આ સાથે તેમણે પોતાના ટ્વીટમાં દાવો કર્યો છે કે, ગુજરાત સરકાર ત્રણ કલાક માટે આ ઈવેન્ટમાં 120 કરોડ રુપિયાનો ખર્ચ કરી રહી છે. વિદેશ નીતિ એક ગંભીર વિષય છે, આ કોઈ ઈવેન્ટમેનેજમેન્ટનો ભાગ નથી. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમની વાત કરીએ તો તેઓ અમદાવાદમાં એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રોડ શો, મોટેરા સ્ટેડિયમમાં સંબોધન અને ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ આગ્રા જવા માટે રવાના થઈ જશે. અહીંથી તેઓ દિલ્હી જશે અને બીજા દિવસે અમેરિકા પરત ફરશે. અમદાવાદમાં ટ્રમ્પ આવી રહ્યા છે તે માટે પાછલા કેટલાક દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં રોડ રસ્તા સહિત બ્યુટિફિકેશનના કામ મોટેરા સ્ટેડિયમથી લઈને ગાંધી આશ્રમ સુધી કરવામાં આવ્યા છે.