ICC મહિલા ટી20 વર્લ્ડ કપનો આજે ઓસ્ટ્રેલિયામાં આગાઝ થઈ ચૂક્યો છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ યજમાન ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાય જેમાં ભારતે વિજયી શરૂઆત કરી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. ભારતીય ટીમમાં પૂનમ યાદવની બોલિંગના દમ પર ભારતે વિજયી શરૂઆત કરી છે. આ પ્રથમ મેચમાં પૂનમ યાદવે 4 વિકેટ ઝડપી છે.
સિડનીના શોગ્રાઉન્ડ મેદાન પર રમાયેલી ICC મહિલા ટી20 વર્લ્ડ કપની પહેલી મેચમાં હાલની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવી દીધું. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં ચાર વિકેટના નુંકસાન પર 132 રન કર્યાં. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.5 ઓવરમાં 115 રન જ બનાવી શકી. હવે ભારતની આગામી મેચ 24 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશની વિરુદ્ધ છે.
ઓસ્ટ્રેલિયા માટે અલિસા હીલીએ 35 બોલમાં 6 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 51 રન બનાવ્યા. તે સિવાય માત્ર એશ્લે ગાર્ડનરે 34 રન બનાવ્યા. ભારત માટે પૂનમ યાદવે સારું પ્રદર્શન કર્યું અને ચાર ઓવરમાં 19 રન આપી ચાર વિકેટ ઝડપી. આ વચ્ચે તે હેટ્રીક લેવાનો ચાન્સ ચૂકી હતી. આ સિવાય શિખા પાંડેએ ત્રણ, રાજેશ્વરી ગાયકવાડે એક વિકેટ ઝડપી. ભારત તરફથી દીપ્તિ શર્માએ અણનમ 49 રન કર્યાં, તે સિવાય શેફાલી વર્માએ 29 રન કર્યાં. ટૂર્નામેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ગૃપ Aમાં સામેલ છે. ICC મહિલા ટી20 વર્લ્ડકપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે.