Getty Images)

ટ્રમ્પ સરકારે મંગળવારે (14 જુલાઈ) કોર્ટમાં સુનાવણી વખતે કોર્ટને એવી જાણ કરી હતી કે, જેમના કોર્સ ફક્ત ઓનલાઈન ચાલતા હોય અથવા તો ચાલવાના હોય તેવા વિદેશી વિદ્યાર્થીઓને તેમના દેશમાં પાછા ધકેલી દેવાય કે પછી આગામી વર્ષ માટે તેઓએ પ્રવેશ લીધો હોય તો એમને અમેરિકામાં જ પ્રવેશવા નહીં દેવાની જોગવાઈ કરતો નવો વીઝા પ્રવેશ આદેશ પડતો મુકાયો છે.

મેસેચ્યુસેટ્સની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારે આ જાહેરાત કરી હતી. હાર્વર્ડ યુનિવર્સિટી તેમજ એમઆઈટી દ્વારા સરકારના નવા આદેશને પડકારાયો હતો. બીજા પણ અનેક રાજ્યો, સંખ્યાબંધ સ્કૂલ્સ અને કોલેજીસ પણ સરકાર સામેના આ કેસમાં બન્ને અગ્રણી સંસ્થાઓ સાથે જોડાયા હતા. તો એક અન્ય કોર્ટમાં અમેરિકાની અગ્રણી ટેકનોલોજી કંપનીઝે પણ આ વીઝા આદેશને પડકાર્યો હતો. આ આદેશનું નોટિફિકેશન આ મહિનામાં આગામી દિવસોમાં જારી થવાની ધારણા હતી.

એક અંદાજ પ્રમાણે અમેરિકામાં દર વર્ષે એક મિલિયન (10 લાખ) થી વધુ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે, જેના પગલે 41 બિલિયન ડોલર્સની આર્થિક પ્રવૃત્તિઓ સાકાર થાય છે અને લગભગ 450,000 જોબ્સનું તેના થકી નિર્માણ થતું હોવાનું અમેરિકન કાઉન્સીલ ઓન એજ્યુકેશન જણાવે છે. આ સંસ્થા અમેરિકાની કોલેજીસ તથા યુનિવર્સિટીઝનું પ્રતિનિધિત્ત્વ કરે છે.

વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ થકી ઉભી થતી આવક જ દેશની અનેક કોલેજીસ માટે તો તેમની આર્થિક તંદુરસ્તી માટે ખૂબજ મહત્ત્વની રહે છે. અમેરિકામાં ભણવા આવતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ચીનથી આવે છે. એ પછી ક્રમાનુસાર ભારત, સાઉથ કોરીઆ, સાઉદી અરેબિયા તથા કેનેડાના નાગરિકોનો સમાવેશ થાય છે.