(Photo by J. Scott Applewhite-Pool/Getty Images)

અમેરિકાના વ્હાઇટ હાઉસના ચીફ મેડિકલ એડવાઇઝર ડૉ. એન્થોની ફૌસી ચેતવણી આપી છે કે ઓમિક્રોનના વધુ ચેપી સબ-વેરિઅન્ટ BA.2થી ટૂંક સમયમાં અમેરિકાના કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ, જાન્યુઆરી 2021 પછી પ્રથમ વખત ચીનમાં કોવિડ દર્દીનું મોત થયું છે. દક્ષિણ-પૂર્વ એશિયા અને યુરોપના કેટલાક દેશોમાં નવા કેસોના સતત વધતા ભારણ વચ્ચે, ભારતના નિષ્ણાતો માને છે કે ભારતમાં વ્યાપક રસીકરણ કવરેજ અને ચેપ પછી ઉદ્ભવેલી રોગપ્રતિકારક્તાને જોતાં ભાવિ લહેર ગંભીર અસર કરશે તેવી શક્યતા ઓછી છે.

ફૌસીએ જણાવ્યું હતું કે અમેરિકામાં નવા કેસમાં આ સબ વેરિયન્ટ સાથે જોડાયેલા લગભગ 30 ટકા કેસ હોવાની આશંકા છે. તેમણે કહ્યુ કે બીએ.2 ઓમિક્રોનની તુલનામાં લગભગ 60 ટકા વધારે ચેપી હોય છે.તેમણે જણાવ્યું હતું કે જ્યારે તમે આ કેસને જુઓ છો તો આ વધારે ગંભીર પ્રકૃતિના લાગતા નથી. વાયરસથી ગંભીર રીતે બીમાર થવાથી બચવા માટે રસી અને બૂસ્ટર ડોઝ સૌથી સારો વિકલ્પ છે. આ સ્વરૂપના કારણે ચીન અને યુરોપના કેટલાક ભાગમાં સંક્રમણના કેસમાં વૃદ્ધિ જોવામાં આવી રહી છે.

ભારતીય મૂળના અમેરિકી સર્જન જનરલ વિવેક મૂર્તિએ કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ધનની અછતને લઈને રવિવારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ અમે જોઈએ છીએ દુનિયામાં શુ થઈ રહ્યુ છે અને ગયા વર્ષે જ્યારે દુનિયાના એક ભાગમાં કેસ વધે છે તો દુનિયાના બીજા ભાગોમાં પણ કેસ વૃદ્ધિ થાય છે. આપણે સતર્ક રહેવુ જોઈએ કે કેમ કે કોવિડ-19 મહામારી હજુ ગઈ નથી.