કોવિડ -19 માટે પોઝીટીવ ટેસ્ટ બાદ વેલ્સના કાર્ડિફની યુનિવર્સિટી હોસ્પિટલ ઑફ વેલ્સમાં કાર્યરત અગ્રણી હાર્ટ સર્જન ડો. જીતેન્દ્ર રાઠોડનુ કોરોનાવાયરસના કારણે મરણ થયુ હતુ. તેમને હોસ્પિટલના તબીબો અને સ્ટાફ સહિત સ્થાનિક ગુજરાતી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

દેશ અને દુનિયામાં કોરોનાવાયરસની મહામારીના કારણે અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે ત્યારે આવા દર્દીઓની સારવારની જવાબદારી જેમના માથે છે તેવા તબીબો પણ રોગચાળામાં શહીદ થઇ રહ્યા છે.  કાર્ડિફ અને વેલ્સ યુનિવર્સિટી હેલ્થ બોર્ડે સોમવારે સાંજે જણાવ્યું હતું કે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરાતા પહેલાં કાર્ડિયાક સર્જન ડો. જીતેન્દ્ર રાઠોડને કાર્ડિફની યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ વેલ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેમના સાથીદારોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં શ્રી રાઠોડનું સોમવારે સવારે નિધન થયું હતું. કોવિડ -19ના નિદાન બાદ મૃત્યુ પામનાર વેલ્સના પ્રથમ મેડિક્સ હોવાનું માનવામાં આવે છે.

એક નિવેદનમાં કાર્ડિફ અને વેલ્સ યુનિવર્સિટી હેલ્થ બોર્ડે કહ્યું હતુ કે “ખૂબ જ દુ:ખની વાત એ છે કે કાર્ડિયોથૉરાસિક સર્જરીના એસોસિએટ સ્પેશ્યાલીસ્ટ શ્રી જીતેન્દ્ર રાઠોડનું નિધન થયું છે. શ્રી રાઠોડ – સાથીદારો અને મિત્રોને ‘જીતુ’ તરીકે જાણીતા હતા. 1990ના દાયકાના મધ્યભાગથી તેઓ કાર્ડિયો-થ્રોએસિક સર્જરી વિભાગમાં કામ કરતા હતા. ટૂંકા ગાળા માટે વિદેશ ગયા બાદ 2006માં તેઓ યુએચડબ્લ્યુમાં પાછા ફર્યા હતા.’’

બે સંતાનોના પિતા એવા ડો. રાઠોડ એક “સમર્પિત સર્જન” હતા જેમણે તેમના દર્દીઓની સરસ સંભાળ રાખી હતી અને વેલ્સના તબીબી વ્યવસાયમાં ખૂબ જ માનવંતુ નામ ધરાવતા હતા. લોકો તેમને ખૂબ જ પસંદ કરતા હતા અને બધા તેમને ખૂબ માન આપતા હતા. તેઓ ખૂબ જ કરુણા દાખવતા અદભૂત માનવી હતા.

તેઓ પત્ની અને બે પુત્રોના પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. 60 વર્ષિય ડૉ. જીતેન્દ્ર રાઠોડ મૂળ ગુજરાતના નવસારીના ચીખલી તાલુકાના સાદકપોર ગામના વતની હતા.