ચીનના વુહાનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર દુનિયાને પોતાની લપેટમાં લઈ ચૂક્યો છે. Johns Hopkins યૂનિવર્સિટીના જણાવ્યા અનુસાર દુનિયા ભરમાં કુલ 14,46,299 લોકો કોરોના વાયરસથી સંક્રમીત છે જ્યારે 74,679 લોકો મોતને ભેટી ચૂક્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1255 લોકોએ કોરોના વાયરસના કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. યૂરોપના 11 દેશો પણ કોરોનાની લપેટમાં આવી ગયા છે.

અમેરિકામાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 3,67,505 લોકો કોરોના વાયરસના શિકાર બની ચૂક્યા છે. સોમવારના રોજ અમેરિકામાં 30,000થી વધારે કોરોનાના નવા કેસો નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1255 લોકો કોરોના વાયરસના કારણે કાળનો કોળિયો બન્યા છે.

કોરોના વાયરસના કારણે દુનિયામાં સૌથી વધારે મોત ઈટાલીમાં થઈ છે જ્યાં કોરોનાના કારણે મૃત્યુઆંક દરરોજ વધી રહ્યો છે. વર્લ્ડોમીટરના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઈટાલીમાં 625 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ ઈટાલીમાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધીને 16,523 સુધી પહોંચી ગયો છે. જ્યારે કોરોના વાયરસના સંક્રમણમાં આવનારા લોકોની સંખ્યા વધીને 1,32,547 થઈ ગઈ છે.