વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ડિસેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાં દેશની પ્રથમ ડ્રાઇવલેસ ટ્રેનનું લોકાર્પણ કર્યુ હતું. (PTI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે નવી દિલ્હીમાં દેશની પહેલી ડ્રાઇવરલેસ ટ્રેનને હરી ઝંડી દેખાડી હતી. લેટેસ્ટ ટેક્નોલોજી વડે ટ્રેન ડ્રાઇવર વિના દોડશે. આ પ્રસંગે વડા પ્રધાને જણાવ્યું હતું કે આપણે હવે સમયની સાથે ચાલવાનું છે. લેટેસ્ટ ટેક્નોલોજી અપનાવીને દેશને આગળ લઇ જવાનો છે.

વડાપ્રધાને જાહેરાત કરી હતી કે 2025 સુધીમાં દેશના પચીસ શહેરોમાં આ રીતે ડ્રાઇવરલેસ ટ્રેન દોડાવવાની સરકારની યોજના છે.

હાલમાં નવી દિલ્હીમાં મેટ્રો મેજેન્ટા લાઇન પર જનકપુરી વેસ્ટથી નોઇડામાં બોટનિકલ ગાર્ડન સુધી આ ડ્રાઇવરલેસ ટ્રેન દોડશે. ત્યારબાદ 2021માં પિંક લાઇનમાં 57 કિલોમીટર સુધી ડ્રાઇવરલેસ ટ્રેન દોડાવવાની યોજના હોવાનું તેમણે કહ્યું હતું. આ ટ્રેન નવી દિલ્હીમાં મજલિસ પાર્કથી શિવ વિહાર સુધીના અંતરને પાર કરશે.

આમ કુલ 94 કિલોમીટર સુધી ડ્રાઇવરલેસ ટ્રેન દોડાવવાની કેન્દ્રના રેલવે ખાતાની યોજના હતી. અન્ય મેટ્રો ટ્રેનની જેમ ડ્રાઇવરલેસ ટ્રેનમાં પણ છ કોચ રહેશે. ડ્રાઇવરલેસ ટ્રેન એક બહુ મોટી ટેક્નિકલ સિદ્ધિ હોવાનો દાવો કરાયો હતો. દિલ્હી મેટ્રોએ 2017ના સપ્ટેંબરમાં પહેલીવાર ડ્રાઇવરલેસ ટ્રેનનો પ્રયોગ કર્યો હતો. તે સફળ થતાં આ પ્ર્રોજેક્ટની પૂર્વતૈયારી શરૂ થઇ હતી.

આ ડ્રાઇવરલેસ ટ્રેનમાં પણ મેટ્રો ટ્રેનની જેમ કુલ છ કોચ છે. દરેક કોચમાં 380 ઉતારુઓ એટલે કે આખી ટ્રેનમાં કુલ 2280 ઉતારુ પ્રવાસ કરી શકે છે. આ ટ્રેનમાં કોઇ પણ ઇમર્જન્સીને પહોંચી વળવાની પૂરતી તૈયારી રખાઇ હોવાનો પણ દાવો કરાયો હતો.