ગુજરાતમાં બુધવારે વધુ એક વખત ડ્રગ્સના ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે રાજસ્થાની શખસની પોલીસે ધરપકડ કરી હતી. એટીએસ, એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. પકડાયેલાં ડ્રગ્સની અંદાજીત કિંમત રુપિયા 350 કરોડ છે.

પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તેની તપાસ હાથ ધરી હતી. દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યુ હોવાની પોલીસે બાતમી મળી હતી. જે આધારે દેવભૂમિ દ્વારકા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી એક શખસને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આ ડ્રગ્સનો જથ્થો 66 કિલો છે. જેમા 16 કિલો હેરોઇન છે. જ્યારે 50 કિલો એમડી ડ્રગ્સ છે. તાજેતરમાં મુંદ્રામાંથી 3 હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું હતું.