મહારાણી સહિત શાહી પરિવારના ચુનંદા 30 સભ્યોની ઉપસ્થિતિમાં શનિવાર તા. 17ના રોજ વિન્ડસર કાસલની ભવ્ય દિવાલોની પાછળ ડ્યુક ઑફ એડિનબરા પ્રિન્સ ફિલિપને અંતિમ વિદાય આપવામાં આવી હતી. કોરોનાવાયરસના નિયમોના કારણે અંતિમ સંસ્કાર વિધિમાં આમ જનતા અને અગ્રણી નેતાઓ લોકો હાજર રહી શક્યા નહોતા પરંતુ દેશ વિદેશમાં લાખ્ખો લોકોએ તેનું જીવંત ટીવી પ્રસારણ નીહાળ્યું હતું. ફ્યુનરલ સર્વિસ શરૂ થાય તે પહેલાં બપોરે 3 વાગ્યે દેશભરમાં લોકો દ્વારા એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

ડીન ઑફ વિન્ડસરની આગેવાની હેઠળ, આર્ચબિશપ ઓફ કેન્ટરબરી, જસ્ટિન વેલ્બી ઉપસ્થિત રહ્યા હતા અને સેન્ટ જ્યોર્જ ચેપલની રોયલ વૉલ્ટમાં ડ્યુકના દેહને દાખલ કરવામાં આવ્યો હતો. ડીન ઑફ વિન્ડસરે ફ્યુનરલ સર્વિસ હાથ ધરી હતી અને આર્ચબિશપ ઓફ કેન્ટરબરી, જસ્ટિન વેલ્બીએ આશીર્વાદ આપ્યા હતા. ફ્યુનરલ સર્વિસની સમાપ્તિ બાદ ડ્યુક ઑફ એડિનબરાના કોફિનને રોયલ વૉલ્ટમાં નીચે લઇ જવાયું હતું. આર્ચબિશપ ઑફ કેન્ટરબરીએ આશીર્વાદ આપ્યા બાદ ક્વાયર દ્વારા રાષ્ટ્રગીત ગવાયું હતું. તે પછી હર મેજેસ્ટી ધ ક્વીન, રોયલ ફેમિલીના સભ્યો અને ડ્યુક ઓફ એડિનબરાના કુટુંબીજનો ગેલિલે પોર્ચ થઈને ચેપલથી રવાના થયા હતા. આ ફ્યુનરલ સર્વિસ લગભગ 50 મિનિટ સુધી ચાલી હતી.

પબ્લિક હેલ્થ ગાઇડલાઇન્સને પગલે, અંતિમ સંસ્કારની યોજનાના કેટલાક પાસાઓમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, તેમ છતાં તે માટે રોયલ હાઇનેસ ડ્યુકની ઇચ્છાઓનું પાલન કરવામાં આવ્યુ હતું.

રૉયલ્સ દ્વારા “દેશના દાદા” તરીકે ઓળખાવવામાં આવેલા ડ્યુક ઑફ એડિનબરાનું તા. 9 એપ્રિલના રોજ 99 વર્ષની ઉંમરે હૃદયની સ્થિતિ અને ચેપની સારવાર માટે હોસ્પિટલમાં એક મહિનો ગાળ્યા બાદ વિન્ડસર કાસલ ખાતે અવસાન થયું હતું.

અંતિમ વિધિમાં શાહી દંપતીના ચાર સંતાનો, સિંહાસનના વારસદાર પ્રિન્સ ચાર્લ્સ (72), પ્રિન્સેસ એન (70), પ્રિન્સ એન્ડ્રુ (61) અને પ્રિન્સ એડવર્ડ (57) ચાર્લ્સના મોટા પુત્ર વિલિયમ (38) તેના નાના ભાઈ પ્રિન્સ હેરી (36) અને નિકટના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

શનિવારે તા. 17 એપ્રિલને બપોરે બરાબર 2:40 કલાકે ડ્યુકનો દેહ વિન્ડસર કાસલના સ્ટેટ એન્ટ્રન્સથી ક્વોડ્રેંગલમાં લવાયો હતો. જેની પાછળ શાહી પરિવારના સભ્યો ચાલીને આવ્યા હતા. ક્વોડ્રેંગલમાં ઉપસ્થિત બધા લોકોએ કોફીનને ખુદ પ્રિન્સ ફિલીપ દ્વારા જ મોડીફાઇડ કરાયેલી લેન્ડ રોવર કાર પર મૂકતા પહેલા કોફીનને શાહી સલામી આપવામાં આવી હતી.

બીજી તરફ મહારાણી તેમની સ્ટેટ બેન્ટલી કારમાં સોવરીન એન્ટ્રન્સથી ચેપલ જવા રવાના થયા હતા. અંતિમ યાત્રા ત્યાંથી સેન્ટ જ્યોર્જ ચેપલ તરફ જવા માટે એન્જિન કોર્ટ, ચેપલ હિલ પરેડ ગ્રાઉન્ડ અને હોર્સશૂ ક્લિસ્ટર થઈને વેસ્ટ સ્ટેપ્સ જઇ પહોંચી હતી. અંતિમ યાત્રાના માર્ગને રોયલ નેવી, રોયલ મરીન, હાઇલેન્ડર્સ અને સ્કોટલેન્ડની ચોથી બટાલિયન રોયલ રેજિમેન્ટ અને રોયલ એરફોર્સના પ્રતિનિધિઓ દ્વારા લાઇનબધ્ધ ઉભા રહીને સન્માન આપવામાં આવ્યું હતું.

અંતિમ યાત્રાને કિંગ્સ ટ્રૂપ રોયલ હોર્સ આર્ટિલરી દ્વારા વિન્ડસર કાસલની ઇસ્ટ લૉન પરથી મિનિટ ગન્સ દ્વારા ફાયર કરી સલામી આપવામાં આવી હતી. આ વખતે કર્ફ્યુ ટાવરના બેલ પણ રણકી ઉઠ્યા હતા.  કોફીન હોર્સશૂ ક્લિસ્ટર ખાતે પહોંચતા રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. જ્યાં તેને રાષ્ટ્રમંડળના પ્રતિનિધિઓ અને ડિસ્માઉન્ટેડ ડિટેચમેન્ટ ઓફ ધ હાઉસહોલ્ડ કેવલરી મળ્યા હતાં.

બેરર પાર્ટી કોફીન લઇન ચેપલના વેસ્ટ સ્ટેપ્સ તરફ ગઇ તે પહેલા બપોરે 3 વાગ્યે નેશનલ મિનીટ સાયલન્સ માટે અંતિમ યાત્રાને થોભાવવામાં આવી હતી. ત્યારબાદ ડીન ઓફ વિન્ડસર અને આર્ચબિશપ ઓફ કેન્ટરબરીને કોફીન સોંપવામાં આવ્યું હતું. સેન્ટ જ્યોર્જ ચેપલના દરવાજા બંધ થતાં જ રોયલ નેવીની પાઇપિંગ પાર્ટીએ ‘કેરી ઓન’ ગીત વગાડ્યું હતું.

અંતિમયાત્રામાં રોયલ ફેમિલીના સભ્યો મેડલ સાથે ડે ડ્રેસ અથવા મોર્નિંગ કોટ પહેર્યો હતો. સર્વિસ દરમિયાન, ડ્યુક ઑફ એડિનબરા દ્વારા પસંદ કરેલા ચાર સંગીતમય ક્વાયર વગાડવામાં આવ્યા હતા. જ્યારે ક્વાયરને દૂર નેવમાં રખાયું હતું, અને પબ્લિક હેલ્થ ગાઇડલાઇન્સને લક્ષમાં લઇને કોઈ કોંગ્રેગેશનલ ગાયન કરાયું નહોતું.

બે ભાઇઓના અબોલા અને તકરારના અહેવાલો બાદ બધા લોકોની નજર પ્રિન્સ હેરી અને પ્રિન્સ વિલિયમ પર લાગેલી હતી. જો કે ડચેસ ઓફ કેમ્બ્રિજની મધ્યસ્થતા થકી બન્ને  ભાઇઓ વાતો કરતા નજરે પડ્યા હતા. હેરીની અમેરિકન પત્ની મેગન બીજી વખત ગર્ભવતી હોવાથી તબીબોએ તેણીને મુસાફરી ન કરવાની સલાહ આપી હોવાથી ઉપસ્થિત થયા નહતા.