મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન શિવસેના અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતાઓના ફોન ટેપિંગનો કેસ સામે આવ્યો છે. આ મુદ્દે ઉદ્ધવ સરકારે શુક્રવારે તપાસનો આદેશ આપ્યો છે. આ ફોન ટેપિંગ ચૂંટણીના પરિણામ આવ્યા પછી સરકાર બનાવવાના પ્રયત્ન દરમિયાન કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત તે નેતાઓ પૈકી છે જેમના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. ફોન ટેપિંગની વાત સામે આવ્યા પછી શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, હું બાળ ઠાકરેનો ચેલો છું, જે પણ કરું છું-જાહેરમાં કરુ છું.

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અનિલ દેશમુખે આ વિશે માહિતી આપતા કહ્યું છે કે, મહારાષ્ટ્ર ચૂંટણી સમયે બિનભાજપ નેતાઓના ફોન ટેપ કરવામાં આવતા હતા. હવે આ ગંભીર મુદ્દાના તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ સંજય રાઉતે એક સીનિયર બીજેપી નેતાની વાત કરતાં કહ્યું છે કે, તેમને પહેલાં જ આ વિશે ચેતવવામાં આવ્યા હતા.

રાઉતે તેમના ટ્વિટર પર લખ્યું છે કે, ઘણાં સમય પહેલાં જ મને બીજેપી સરકારના એક મંત્રીએ જણાવ્યું હતું કે, તમારો ફોન ટેપ થઈ રહ્યો છે, ત્યારે મેં તેમને કહ્યું હતું કે, જે પણ મારી વાતચીત સાંભળવા માંગે છે તે સાંભળી શકે છે. હું બાળા સાહેબનો ચેલો છું. હું કઈ પણ છુપાવીને નથી કરતો.

રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે સંજય રાઉત સિવાય એનસીપી પ્રમુખ શરદ પવાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ફોન પણ ટેપ કરવામાં આવી રહ્યો છે. ફોન ટેપિંગ ચૂંટણી પછી જ્યારે સરકાર બનાવવા વિશે મુખ્ય પાર્ટીઓ વચ્ચે બેઠક ચાલતી હતી તે દરમિયાનનો છે. આ મુદ્દે હવે મહારાષ્ટ્રના ગૃહ વિભાગને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે, ફોન ટેપિંગની વાત સાચી છે તો આ સરકારી મશીનરીનો દુરઉપયોગ છે.