’રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિ ને ઘન વઘે, વળી સુખમાં રહે શરીર.’’ આ કહેવત આપણાં વડવાઓએ ઘણાં વર્ષો પહેલા કયા અભ્યાસ અને વૈજ્ઞાનિક તારણોને આધારે કહી હતી તેની ખબર નથી પરંતુ ગયા અઠવાડિયે એક્સેટર યુનિવર્સિટીની એક ટીમે એવો અહેવાલ આપ્યો હતો કે વહેલી રાતની પૂરતી ઊંઘ આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારે છે. જે લોકો રાત્રે 10થી 11 વચ્ચે સૂઈ ગયા હતા તેમનામાં હૃદય રોગનો દર વહેલા અથવા પછી સુઇ ગયેલા લોકો કરતા ઓછો હતો. મધ્યરાત્રિ કે પછી સૂવા જતા લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનું પ્રમાણ 25 ટકા વધારે હતું.

અભ્યાસના મુખ્ય લેખક અને વરિષ્ઠ લેક્ચરર ડૉ. ડેવિડ પ્લાન્સે જણાવ્યું હતું કે “શરીરમાં 24-કલાકની આંતરિક ઘડિયાળ હોય છે – સર્કેડિયન રિધમ – જે શારીરિક અને માનસિક કાર્યને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરિણામો સૂચવે છે કે વહેલા અથવા મોડા સૂવાનો સમય શરીરની ઘડિયાળને વિક્ષેપિત કરે તેવી શક્યતાઓ છે, જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ પરિણામો આવે છે. ઊંઘનો સમય અને મૂળભૂત ઊંઘની સ્વચ્છતા એ હૃદય રોગના જોખમને ઘટાડવા માટે ઓછા ખર્ચે જાહેર આરોગ્યનો મોટો ફાયદો મેળવવાનું લક્ષ્ય હોઈ શકે છે. અમારો અભ્યાસ સૂચવે છે કે ઊંઘવા જવાનો સૌથી જોખમી સમય મધ્યરાત્રિ પછીનો હતો.’’

સંશોધકોએ યુકે બાયોબેંકના સરેરાશ 61 વર્ષની વયના 88,026 સહભાગીઓના ડેટાનો ઉપયો કર્યો હતો, જેમણે તેમની જીવનશૈલી પર પ્રશ્નોનો જવાબો આપ્યા હતા અને શારીરિક તપાસ કરી હતી. તેમણે એક અઠવાડિયા સુઘી પહેરેલા Fitbit-શૈલીના ઉપકરણોથી તેઓ ક્યારે સૂઈ ગયા અને ક્યારે જાગ્યા તેની વિગતો મળી હતી.

મધ્યરાત્રિ અથવા પછીના સમયે સૂઈ ગયેલા 3,172 સહભાગીઓએ માત્ર છ વર્ષથી ઓછા સમયમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ વિકસાવ્યો હતો. સંશોધકોએ ઉંમર, ઊંઘની અવધિ અને ઊંઘની અનિયમિતતા સહિતના પરિબળોને પણ ચકાસ્યા હતા. જે લોકો રાત્રે 11 વાગ્યાથી 11.59 વાગ્યાની વચ્ચે સૂઈ ગયા હતા તેમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ 12 ટકા વધારે રહ્યું હતું. મધ્યરાત્રિ પછી સૂવાનો સમય ધરાવતા લોકોમાં આ જોખમ 25 ટકા વધારે હતું અને જેઓ રાત્રે 10 વાગ્યા પહેલાં સૂઈ ગયા હતા તેમનામાં આ જોખમ 24 ટકા વધી ગયું હતું.

બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના વરિષ્ઠ કાર્ડિયાક નર્સ રેજિના ગિબ્લિને કહ્યું: “એ યાદ રાખવું અગત્યનું છે કે આ અભ્યાસ ફક્ત જોડાણ બતાવી શકે છે તેના કારણો અને અસર સાબિત કરી શકતું નથી.”

ઊંઘ માટેના સ્વતંત્ર સંશોધક અને સ્લીપસ્ટેશન ખાતે સ્લીપ સાયન્સના ડાયરેક્ટર ડૉ. નીલ સ્ટેનલી કહે છે કે “આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે અને આપણામાંના ઘણાને કુદરતી રીતે વહેલી રાતની જરૂર હોય છે. સારા સ્વાસ્થ્ય અને સારી ઊંઘની ચાવી એ છે કે તમને શું જોઈએ છે તે શોધવું અને પછી દરરોજ રાત્રે એક કલાકની અંદર સૂવાના તે જ સમયને વળગી રહેવું.”

રાતના વહેલા સુવાથી થતા ફાયદા

રાતના વહેલા સુવાથી તમારી રક્તવાહિની તંત્ર સુરક્ષિત થાય છે. કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીના સંશોધકો દ્વારા લગભગ 840,000 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે દર એક કલાક વહેલા સુવાથી ગંભીર ડિપ્રેશનનું જોખમ 23 ટકા ઓછું થઈ શકે છે. રાત્રે 11 વાગ્યે પથારીમાં સુવા જનારનું ડીપ્રેશન લગભગ 40 ટકા ઘટાડી શકાય છે. એરિઝોના યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર, રાતના મોડુ સુવાના કારણે બ્લડ પ્રેશરમાં વધારો થઈ શકે છે જે બીજા દિવસ સુધી ચાલુ રહે છે. ડ્યુક યુનિવર્સિટીના સંશોધન મુજબ રાત્રે 10 વાગ્યાને બદલે રાત્રે 10.10 વાગ્યે સૂવા જવાથી પણ સંશોધનમાં ભાગ લેનારાઓ પર પ્રતિકૂળ સ્વાસ્થ્ય અસરો જોવા મળી હતી. વહેલા સુવાથી તમારા ચિંતનાત્મક કાર્ય (કોગ્નીટીવ ફંકશન)  માટે વધુ સારું રહે છે તથા માનસિક સુખાકારીમાં સુધારો થાય છે. તેથી ઓછી ચિંતા અને તણાવ અનુભવાય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જેઓ મોડા સુઇ જાય છે તેઓ મીઠાઈઓ, ખારા નાસ્તા અને સોફ્ટ ડ્રિંક્સનો વધુ ફપયોગ કરે છે. વહેલા સુવાથી તમે વધુ અસરકારક રીતે ચરબી બર્ન કરો છો.

વહેલા સુવા માટે મદદ કરતી રીતો

સૂવાની 90 મિનિટ પહેલાં ગરમ પાણીથી ​​સ્નાન કરવાથી શરીરને ઊંઘ માટે શ્રેષ્ઠ તાપમાન મળી રહે છે. બેડરૂમની બારી ખોલીને બેડરૂમનું તાપમાન 17C થી 17.5C લાવવાથી શરીરનું મુખ્ય તાપમાન ઘટે છે અને ઊંઘને ​​પ્રોત્સાહન મળે છે. આંખ પર સ્ટ્રીટ લાઇટ, ટીવી કે ફોનમાંથી નીકળતો વાદળી પ્રકાશ ના આવે તે માટે માસ્ક પહેરવાથી મેલાટોનિન એટલે કે ઊંઘ પ્રેરિત કરતા હોર્મોનને દબાવી શકાય છે અને ઊંડી ઊંઘ મળે છે. માઇન્ડફુલનેસ મેડિટેશન અનિદ્રાને દૂર કરવામાં મદદ કરે છે. ધ્યાન હૃદયના ધબકારા અને શ્વાસને ધીમો કરે છે અને સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે.