દિલ્હીમાં મુસ્લિમ સમુદાયના સભ્યોએ મંગળવાર, 3 મેએ રમઝાન મહિનાના છેલ્લાં દિવસે જામા મસ્જિદ ખાતે ઇદની નમાઝ અદા કરી હતી(ANI Photo/Rahul Singh)

ગુજરાતમાં મંગળવાર, 3મેએ લોકોએ અખાત્રીજ અને રમઝાન ઇદની ધામધૂમથી ઉજવણી કરી હતી. વૈશાખ સુદ ત્રીજે અખાત્રીજનું પર્વ  ઉજવવામાં આવ્યું હતું. બીજી તરફ મુસ્લિમ ધર્મના બિરાદરોએ રમઝાન ઈદના પ્રસંગે મસ્જિદમાં નમાઝ અદા કરીને એકબીજાને ઇદની શુભકામના આપી હતી.

અખાત્રીજને લગ્ન માટે વણજોયા મુહૂર્તનો દિવસ હોવાથી અનેક લગ્નો થયા હતા શુકનરૂપે સોનાની પણ ખરીદી કરવામાં આવી હતી. મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં સંતોએ સ્વામિનારાયણ ભગવાનને ચંદનનાં કલાત્મક વાઘાનો શણગાર કર્યો હતો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બળદેવજીના ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું. અખા ત્રીજ સાથે રથયાત્રાની તૈયારીનો પ્રારંભ થાય છે. કોરોના હવે નિયંત્રણમાં આવી ગયો છે ત્યારે આ વખતે ૧ જુલાઇએ ભક્તો સાથે રથયાત્રા યોજવામાં આવી શકે છે. છેલ્લા બે વર્ષથી ભક્તો વિના જ રથયાત્રા યોજાઇ  છે. સ્વામિનારાયણ મંદિરોના સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવવામાં આવ્યા હતા.

અખાત્રીજે કરવામાં આવતા દાન, પૂજન, હવન સહિત બધા પુણ્ય કાર્ય અક્ષય ફળ આપે છે. કોઈપણ માંગલિક કે શુભ કામ કરવા માટે આ તિથિ જ સૌથી સારી માનવામાં આવે છે. આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો. પરશુરામજી ચિરંજીવી છે. અખાત્રીજે લગ્ન કરવાથી પતિ-પત્નીનો પ્રેમ અને લગ્નજીવન અક્ષય બને છે. આ દિવસે પિતૃઓને તર્પણ એવું માનીને કરવામાં આવે છે કે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે.

ઈદુલ ફિત્ર નિમિત્તે સવારથી મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરી હતી.  સોમવારે મોડી સાંજથી જ મુસ્લિમ બિરાદરોએ એકમેક ઈદની શુભેચ્છા આપવાનું શરુ કરી દીધું હતું. આ ઉપરાંત મીઠાઇ, નવા કપડાં સહિતની ખરીદી માટે પણ મોડી રાત સુધી બજારોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ગુજરાત ચાંદ કમિટિએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી હતી.