(PTI Photo)

ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની યોજાયેલી ચૂંટણીના રવિવાર, 3 ડિસેમ્બરે રિઝલ્ટ જાહેર થઈ રહ્યાં છે. આગામી વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજનારી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યોની આ ચૂંટણીના મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડ દર્શાવે છે કે મોદી મેજિક પર સવાર થઈને ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપનો શાનદાર વિજય થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લગભગ મજબૂત સરસાઈ મળી હતી. દક્ષિણ ભારતના રાજ્ય તેલંગણામાં પ્રાદેશિક પક્ષ ભારત રાષ્ટ્રસમિતિને સત્તા પરથી ઉખાડીને કોંગ્રેસ સત્તા પર આવે તેવી શક્યતા છે. અહીં ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યોની આ ચૂંટણીને સેમિફાઇનલ ગણવામાં આવી હતી. તમામ ચાર રાજ્યોમાં ભાજપ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી અભિયાનનું નેતૃત્વ લીધું હતું.

ભાજપશાસિત મધ્યપ્રદેશ વિધાનસભાની કુલ 230 બેઠકોની મતગણતરીને પ્રારંભિક ટ્રેન્ડ મુજબ ભાજપ 162 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવી તેવી શક્યતા છે. મધ્યપ્રદેશમાં ભાજપના શિવરાજસિંહ આશરે 17 વર્ષથી મુખ્યપ્રધાન છે. રાજ્ય વિધાનસભામાં બહુમતીનો આંકડો 116 બેઠકોનો છે. કોંગ્રેસે 65 બેઠકો પર સરસાઈ મેળવી હતી.

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન વિધાનસભાની કુલ 199 બેઠકોમાંથી મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડ મુજબ ભાજપ 110 બેઠકો સાથે સત્તામાં વાપસી કરી શકે છે. કોંગ્રેસ 73 બેઠકો પર આગળ હતી. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તાપરિવર્તનની પરંપરા છે. રાજ્યમાં હાલમાં કોંગ્રેસની સત્તા હતી. રાજ્યમાં વિધાનસભાની કુલ 200 બેઠકો છે, પરંતુ કોંગ્રેસના એક ઉમેદવારના મોતને કારણે એક બેઠક પર ચૂંટણી યોજાઈ ન હતી. બહુમતી માટેનો આંકડો 100 બેઠકોનો છે.

આદિવાસી રાજ્ય છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ હતી, પરંતુ પછીથી ટ્રેન્ડ બદલાયા હતા. રાજ્યની કુલ કુલ 90 બેઠકોમાંથી ભાજપે 53 બેઠકો પર લીડ મેળવી હતી, જ્યારે કોંગ્રેસ 34 બેઠકો પર આગળ હતી. છત્તીસગઢમાં બહુમતીનો આંકડો 46 બેઠકોનો છે. હાલમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે.
બીજી તરફ દક્ષિણ ભારતના તેલંગણામાં વિધાનસભાની કુલ 119 બેઠકોમાંથી પ્રારંભિક ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ 65 બેઠકો પર આગળ હતી અને પ્રાદેશિક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ 37 બેઠકો અને ભાજપ આઠ બેઠકો પર આગળ હતાં.

તેલંગણામાં કે ચંદ્રશેખર રાવના ભારત રાષ્ટ્ર સમિતિ(બીઆરએસ) નામના પ્રાદેશિક પક્ષની 10 વર્ષની સત્તા હતી. અહીં કોંગ્રેસને સત્તા મળે તેવી પૂરી શક્યતા છે. રાજ્યમાં બહુમતીનો આંકડો 60 બેઠકોનો છે.મધ્યપ્રદેશમાં ભાજપની લીડ બાદ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કર્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સાથે ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે.’

LEAVE A REPLY

sixteen − 12 =