સીબીઆઇએ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ.613.97 કરોડની કથિત છેતરપિંડી બદલ અમદાવાદ સ્થિત ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લિમિટેડ અને તેના ચાર ડિરેક્ટર્સ સામે કેસ દાખલ કર્યો હતો. 2012-16 દરમિયાન ક્રેડિટ ફેસિલિટી સંબંધિત ગોટાળાનો આ કેસ છે, એમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું.

કંપની ઉપરાંત તપાસ એજન્સીએ એફઆઇઆરમાં આરોપી તરીકે તેના મેનેજિંગ ડિરેક્ટર્સ-ગેરેન્ટર્સ શૈલેષ ભાણવરલાલ ભંડારી અને અવિનાશ પ્રકાશચંદ્ર ભંડારી, ડિરેક્ટર-ગેરંટર મુકેશ ભાણવરલાવ ભંડારી અને પૂર્ણકાલિન ડિરેક્ટર નરેન્દ્ર બાબુભાઈ દલાલના નામ આપ્યા છે.

એવો પણ આરોપ છે કે 2012 અને 2016 દરમિયાન આ કંપનીના ડિરેક્ટર્સ બેન્ક ઓફ ઇન્ડિયાની ફંડ આધારિત અને નોન ફંડ આધારિત ક્રેડિટ ફેસિલિટી ધરાવતા હતા. બેન્કે કંપનીનું ફોરેન્સિક ઓડિટ કર્યું હતું, જેમાં બહાર આવ્યું હતું કે કંપની તેની પેટાકંપનીઓ અને સહયોગી કંપનીઓ મારફત ફંડનું ડાઇવર્ઝન અને ઉચાપત કરતી હતી. આ કંપનીઓમાં એકસમાન ડિરેક્ટર્સ હતા, એમ સીબીઆઇના રાષ્ટ્રીય પ્રવક્તા આર સી જોશીએ જણાવ્યું હતું.

એફઆઇઆરને પગલે સીબીઆઇએ તાજેતરમાં આરોપીઓના અમદાવાદ ખાતેના છ સ્થળો પર તાજેતરમાં સર્ચ કાર્યવાહી કરી હતી.સીબીઆઇના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની શંકાસ્પદ ડીલર્સ સાથે સોદા કરતી હતી. તે ગૂડ્સની વાસ્તવિક ડિલિવરી વગર ખોટા બિલ ઇશ્યૂ કરતી હતી અને તેથી લિક્વિડિટીની તંગી ઊભી થઈ હતી. આ પછી રૂ.631.97 કરોડના બાકી લેણા સાથે લોન ફેસિલિટી એનપીએ બની હતી.