પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ કોવિડ કેસિઝના કારણે અધવચ્ચેથી સસ્પેન્ડ કરાયાની જાહેરાત સોમવારે ઈસીબી અને સીએસએ દ્વારા કરાઈ હતી. આ પ્રવાસમાં ત્રણ ટી-20 મેચની સીરીઝ પુરી થઈ ગઈ હતી અને તેમાં ઈંગ્લેન્ડનો 3-0થી વિજય થયો હતો. એ પછી, કોવિડના કેસીઝના કારણે પ્રથમ વન-ડે શુક્રવારે (4 ડીસેમ્બર) રમાવાની હતી તે રવિવાર (6 ડીસેમ્બર) ઉપર પાછી ઠેલાઈ હતી. એ પહેલા જ, ઈંગ્લેન્ડની ટીમ જે હોટેલમાં રોકાઈ હતી, તેના બે સ્ટાફ મેમ્બર્સ કોવિડ પોઝિટિવ જણાતા આખરે મેચ પડતી મુકાઈ હતી. એ તબક્કે જ બાકીની બે વન-ડે સામે પ્રશ્નાર્થ તો ઉભો થયો જ હતો, પણ સોમવારે બન્ને બોર્ડે નિર્ણય લઈ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે હવે બાકીનો પ્રવાસ અધવચ્ચેથી સસ્પેન્ડ કરાયો છે. ઈસીબીએ એવું કહ્યું હતું કે, ખેલાડીઓ તેમજ ટીમ મેનેજમેન્ટના આરોગ્ય અને માનસિક સ્થિતિને તેઓ પ્રાથમિકતા આપે છે અને તેથી હાલમાં આ પ્રવાસ સસ્પેન્ડ કરાયો છે. ત્રણ વન-ડેની આ સીરીઝ આઈસીસી ક્રિકેટ મેન્સ સુપર લીગના એક ભાગરૂપ હોઈ તે હવે પછી ફરીથી રમાડવી પડશે અને તે ક્યારે રમાશે તેનો નિર્ણય બન્ને બોર્ડ સાથે મળીને કરશે. સીએસએ દ્વારા એવું પણ જણાવાયું હતું કે, ઈંગ્લેન્ડની ટીમના બે સભ્યોના કોવિડ ટેસ્ટ પણ પોઝિટિવ હોવાની આશંકા છે, જો કે તે હજી કન્ફર્મ્ડ નથી.