ચેસ વર્લ્ડ
(FIDE/Andrei Anosov via PTI Photo)

ભારતની 19 વર્ષની દિવ્યા દેશમુખે FIDE મહિલા ચેસ વર્લ્ડ કપમાં સોમવારે (28 જુલાઈ) ચેમ્પિયન બની હતી. તેણે ફાઇનલમાં ભારતની જ કોનેરુ હમ્પીને ટાઇ-બ્રેક રાઉન્ડમાં હરાવીને આ તાજ હાંસલ કર્યો હતો. વિશ્વ ચેમ્પિયન બનવાની સાથે, દિવ્યા ભારતની 88મી ગ્રાન્ડમાસ્ટર પણ બની છે.

ટુર્નામેન્ટમાં દિવ્યા ઘણા ટોપ રેન્કના ખેલાડીઓને હરાવી ફાઇનલમાં પહોંચી હતી. હમ્પી સામેની ફાઇનલમાં દિવ્યા – હમ્પીની બન્ને મુખ્ય મેચ ડ્રો રહી હતી. એ પછી સોમવારે ટાઇ-બ્રેક રાઉન્ડમાં દિવ્યાએ 2.5-1.5 ના સ્કોર સાથે ટાઈટલ વિજય મેળવ્યો હતો.

વિશ્વ ચેમ્પિયન બનવાની સાથે, દિવ્યાએ આગામી વર્ષની મહિલા ઉમેદવારોની ટુર્નામેન્ટ માટે પણ ક્વોલિફાય કર્યું. તે આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય બની છે. સેમિફાઇનલમાં તેણે ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન તાન ઝોંગયીને હરાવી હતી.

દિવ્યા FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયન બનનારી પ્રથમ ભારતીય છે.આ વિજયથી ૧૯ વર્ષીય ખેલાડીને માત્ર પ્રતિષ્ઠિત ખિતાબ જ મળ્યો નથી, પણ તે ગ્રાન્ડમાસ્ટર પણ બની છે, જે ટુર્નામેન્ટની શરૂઆત વખતે લગભગ અશક્ય લાગતું હતું. શનિવાર અને રવિવારે રમાયેલી બે ક્લાસિકલ મેચ ડ્રોમાં સમાપ્ત થયા બાદ નાગપુરની ખેલાડીનો વિજય થયો હતો.

બે ક્લાસિકલ મેચ ડ્રો કર્યા પછી ટાઇબ્રેકરનો પહેલો સેટ નિર્ણાયક સાબિત થયો કારણ કે હમ્પીએ પોતાની ધીરજ ગુમાવી હતી. વર્લ્ડ કપ અને મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપ સિવાય હમ્પીએ તમામ ટુર્નામેન્ટ જીતી છે, પરંતુ તે વર્લ્ડ કપ ટાઇટલ જીતી શકી નથી.

દિવ્યા દેશની 88મી ગ્રાન્ડમાસ્ટર બની હતી.હમ્પી, દ્રોણવલ્લી હરિકા અને આર વૈશાલી પછી દિવ્યા હવે ગ્રાન્ડમાસ્ટરની સિદ્ધિ હાંસલ કરનારી ચોથી ભારતીય મહિલા ખેલાડી બની છે. 38 વર્ષીય હમ્પી 2002માં ગ્રાન્ડમાસ્ટર બની હતી અને દિવ્યાનો જન્મ 2005માં થયો હતો.

LEAVE A REPLY