ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી તે મુદ્દે વિવાદની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે ભારતીય ટીમના ખેલાડીઓએ કોરોના વાયરસની ચિંતાના કારણે પાંચમી અને અંતિમ ટેસ્ટ રમવાની ના પાડી દીધી હતી. મેચ રદ થઈ તેમાં આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો કોઈ ભાગ નથી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શુક્રવારે પાંચમી ટેસ્ટ રમાવાની હતી. જોકે, મેચ શરૂ થાય તેના બે કલાક પહેલા જ ભારતીય ટીમે રમવા માટે ઉતરવાની ના પાડી દીધી હતી જેના કારણે મેચ રદ થઈ હતી. ભારત શ્રેણીમાં 2-1થી આગળ હતું. મેચના આગલા દિવસે ભારતીય ટીમના જૂનિયર ફિઝિયોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગાંગુલીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓએ રમવાની ના પાડી હતી પરંતુ તમે તેમને દોષ દઈ શકો નહીં. ફિઝિયો યોગેશ પરમાર તેમના સંપર્કમાં હતા. તે ખેલાડીઓ સાથે હળતા મળતા હતા. તેથી ખેલાડીઓને જ્યારે ખબર પડી કે યોગેશ પરમારને કોરોના થયો છે ત્યારે તેઓ ડરી ગયા હતા.