(Photo by JOEL SAGET / AFP)

સામાન્ય રીતે લોટરીના નંબરો માટે કુટુંબના લોકોના જન્મદિવસની તારીખનો ઉપયોગ કરતા ડર્બીશાયરના હેટનના 80 વર્ષીય ડેનિસ ફોવસિટે ચશ્મા ભૂલી ગયા હોવાથી ખરીદેલી યુરોમિલીયનની લકી ડીપ લોટરી ટીકીટને 16 માર્ચના રોજના ડ્રોમાં £116,124નું ઇનામ લાગ્યું હતું.

ડેનિસ અને તેમના પત્ની 75 વર્ષના પત્ની એન ઘર અને બગીચાના નવનિર્માણ માટે આ નાણાં વાપરવા માંગે છે. ભૂતપૂર્વ બિલ્ડર અને કોલસાની ખાણમાં ખાણિયા તરીકે કામ કરતા ડેનિસ અને એનને બે પુત્રી સેલી અને શેરોન, બે પૌત્ર અને પૌત્રોનો પરિવાર છે.

ડેનિસે જણાવ્યું હતું કે ‘’હું મારા ચશ્માં ભૂલી ગયો હતો અને વગર ચશ્માએ મેં સ્લીપમાં નંબર પસંદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હું તેમ કરી શક્યો નહતો. આખરે મેં કાઉન્ટર પાછળની મહિલાને લકી ડિપ માટે કહ્યું હતું. જે મારા અત્યાર સુધીના શ્રેષ્ઠ નિર્ણયોમાંથી એક બન્યો હતો. મેં સાંજે મારી પત્ની એનને કહ્યું હતું કે મને લાગે છે કે આપણે મોટુ ઇનામ જીતીશુ.’’

બીજે દિવસે સવારે ડેનિસ અખબાર લેવા ગયા ત્યારે સ્થાનિક કો-ઓપ સ્ટોર્સના સ્ટાફે ટિકીટ તપાસી તેઓ જીત્યા હોવાનું અને કેમલોટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમણે ઘરે જઇને દિકરીને ડબલ ચેક કરવા બોલાવી હતી અને તેમણે નેશનલ લોટરીને આ અંગે જાણ કરી હતી.

શ્રીમતી એન લેસ્ટરના એશ્બી-ડે-લા-ઝૂચમાં કેપી સ્નેક્સમાં કામ કરે છે. તેણે મજાકમાં કહ્યું હતું કે જીતની ખુશીમાં ડેનિસે વ્હિસ્કીના કેટલાક ડ્રોપ અને મેં થોડી શેરી પીઘી હતી.