રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મ અને દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકની વચ્ચે મોટી ડીલ થઈ છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા સ્ટેક માટે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ ડીલ બાદ ફેસબુક હવે જિયાના સૌથી વધારે શેર હોલ્ડ કરશે. ફેસબુકના રોકાણ બાદ જિયો પ્લેટફોર્મની એન્ટપ્રાઈઝ વેલ્યુ 4.62 લાખ કરોડ થઈ ગઈ છે.

ભારતમાં ટેક્નોલોજી સેક્ટરમાં થયેલું આ સૌથી મોટું રોકાણ માનવામાં આવી રહ્યું છે. બંને કંપનીઓની ભાગીદારીથી રોજગારની નવી તકો ઉત્પન્ન થશે અને સાથે વેપાર વધશે. આ ડીલ પર રિલાયન્સે જણાવ્યું છે કે, ભારતમાં ટેક્નોલોજી સેક્ટરમાં એફડીઆઈ અંતર્ગત આ સૌથી મોટું રોકાણ છે. ફેસબુકે જણાવ્યું છે કે, આ રોકાણ ભારત પ્રતિ તેમના વિશ્વાસને દર્શાવે છે.

ફેસબુકે જણાવ્યું છે કે, આ રોકાણ ભારત પ્રતિ અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જિયોએ ભારતમાં જે મોટા ફેરફાર લાવ્યા છે તેનાથી અમે ઉત્સાહિત છીએ. 4 વર્ષથી પણ ઓછા સમયમાં રિલાયન્સ જિયો 38 કરોડથી વધારે ગ્રાહકોને ઓનલાઈન પ્લેટફોર્મ પર લઈને આવી છે. તેથી અમે જિયો મારફતે ભારતમાં વધારે લોકોની સાથે જોડાવવા માટે પ્રતિબદ્ધ છીએ.