મહારાષ્ટ્રના નાગપુરમાં આગામી ત્રણ વર્ષમાં ફાલ્કન 2000 બિઝનેસ એક્ઝિક્યુટિવ જેટનું ઉત્પાદન થશે. અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર (RAL) અને ફ્રાન્સની દસોલ્ટ એવિએશને વૈશ્વિક બજારો માટે ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ એક્ઝિક્યુટિવ જેટનું ઉત્પાદન કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની બુધવારે જાહેરાત કરી હતી. આ સમજૂતીને પગલે પ્રથમ વખત ફ્રાન્સની બહાર ફાલ્કન 2000 જેટનું ઉત્પાદન થશે. ફાલ્કન 2000 જેટ માટે અત્યાધુનિક ફાઇનલ એસેમ્બલી લાઇન મહારાષ્ટ્રના નાગપુરમાં સ્થાપિત કરાશે અને 2028માં પ્રથમ ‘મેક ઇન ઇન્ડિયા’ ફાલ્કનનું ઉત્પાદન થશે.
બંને કંપનીઓ વચ્ચેની ભાગીદારીની જાહેરાત પેરિસ એર શોમાં કરાઈ હતી. દસોલ્ટ એવિએશન અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચરે 2017માં સંયુક્ત સાહસની રચના કરી હતી. રિલાયન્સ એરોસ્ટ્રક્ચર ભારતમાં ફાલ્કન સિરિઝના વિમાનો માટે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) પણ બનશે, જેમાં ફાલ્કન 6X અને ફાલ્કન 8X એસેમ્બલી પ્રોગ્રામનો સમાવેશ થાય છે. ફ્રાન્સની બહાર દસોલ્ટનું આવું પ્રથમ સેન્ટર હશે.
દસોલ્ટ એવિએશનના ચેરમેન અને સીઈઓ એરિક ટ્રેપિયરે જણાવ્યું હતું કે આ નવો કરાર ફરી એકવાર અમારી ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાનો અને વૈશ્વિક એરોસ્પેસ સપ્લાય ચેઇનમાં ભારતને એક મુખ્ય ભાગીદાર બનાવાનો અમારો દ્રઢ ઇરાદો દર્શાવે છે.
રિલાયન્સ ગ્રુપના સ્થાપક ચેરમેન અનિલ અંબાણીએ આ ભાગીદારીને રિલાયન્સ ગ્રુપની સફરમાં સીમાચિહ્નરૂપ ગણાવી હતી. દસોલ્ટ એવિએશન ફાલ્કન 8X અને ફાલ્કન 6Xના ફ્રન્ટ સેક્શનની એસેમ્બલી પણ ટ્રાન્સફર કરશે.આ ઉપરાંત ફાલ્કન 2000ની વિંગ્સ અને સંપૂર્ણ ફ્યુઝલેજ એસેમ્બલી પણ ટ્રાન્સફર કરશે. તેનાથી 2028માં ભારતમાં પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ ફાલ્કન 2000નું ઉત્પાદન ચાલુ થશે. નવી અંતિમ એસેમ્બલી લાઇન ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધતી માંગને પૂર્ણ કરશે
