સ્વર્ગસ્થ સંજય કપૂર . (ANI Photo)

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને બિઝનેસમેન સંજય કપૂરના 12 જૂને લંડનમાં પોલો રમતી વખતે ઓચિંતા અવસાન પછી તેમના રૂ.30,000 કરોડના બિઝનેસ સામ્રાજ્ય માટે પરિવારમાં ઝઘડો ચાલુ થયો હતો.

શુક્રવારે આ ગ્રુપની મુખ્ય કંપની સોના BLW પ્રિસિઝન ફોર્જિંગ્સે જણાવ્યું હતું કે સંજય કપૂરની માતા રાની કપૂર કંપનીના શેરહોલ્ડર નથી. રાની કપૂરે ચોંકાવનારો દાવો કર્યો હતો કે ગયા મહિને યુકેમાં તેમના પુત્રનું મૃત્યુ “અત્યંત શંકાસ્પદ અને અસ્પષ્ટ સંજોગોમાં” થયું હતું.

અગાઉ કંપનીના બોર્ડને પત્ર લખીને રાની કપૂરે પોતાના બહુમતી શેરહોલ્ડર ગણાવ્યા હતાં અને અને કંપનીની શુક્રવારે નિર્ધારિત સામાન્ય વાર્ષિક સભા (એજીએમ) મોકૂફ રાખવાની માગણી કરી હતી. જોકે આ માગણીને ધ્યાનમાં લીધા વગર કંપની બેઠક યોજી હતી.

દસ્તાવેજો પર સહી કરવાનું દબાણ કરાયું હોવાનો આક્ષેપ કરીને તેમણે “કેટલાક લોકો (એટલે કે, પ્રિયા સચદેવ કપૂર, તેમની પુત્રવધૂ)ની નિમણૂક કરવાના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

જોકે પ્રિયા સચદેવ કપૂરની નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક અંગે કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેમની નિમણૂકની યોગ્ય સમીક્ષા કરાઇ હતી અને પછી મંજૂરી અપાઈ હતી.

દસ્તાવેજો પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હોવાના દાવા અંગે બોર્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંજય કપૂરના મૃત્યુ પછી તેમની પાસેથી કોઈ દસ્તાવેજો પર સહી કરવામાં આવી નથી અથવા મેળવવામાં આવી નથી.

અગાઉ રાણી કપૂરે જણાવ્યું હતું કે તેઓ તેમના પુત્રના મૃત્યુનો શોક મનાવી રહ્યાં છે ત્યારે તેમના દુશ્મનો પરિવારનો વારસો હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

LEAVE A REPLY