કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને પગલે નવી દિલ્હીમાં સિંઘુ બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.(PTI Photo)

સરકારના કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના ખેડૂતોએ 26 નવેમ્બરે દિલ્હી ચલો આંદોલનની શરૂઆત કરી છે. પંજાબથી દિલ્હી સુધીની કૂચમાં હજારો ખેડૂતો જોડાયા હતા અને પોલીસે તેમને રસ્તા પર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેનાથી ઘણી જગ્યાએ સંઘર્ષ થયો હતો.

પંજાબની પાસે આવેલી હરિયાણા બોર્ડર પર ગુરુવારે હિંસક દેખાવ થયા હતા. ખેડૂતોએ બેરિકેડ તોડ્યાં અને પથ્થરમારો કર્યો હતો. પોલીસે ખેડૂતો માટે વોટર કેનન અને ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. નવા કૃષિ બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા બે મહિનાથી રસ્તા પર છે.

દિલ્હી-હરિયાણા સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. દિલ્હી-ફરિદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત CRPFની 3 બટાલિયન તહેનાત કરવામાં આવી હતી. ખેડૂત રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં મેટ્રો બપોરે 2 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી હતી.