કેન્દ્ર સરકારના કુષિ સુધારા કાયદા સંબંધિ બેઠક યોજ્યા બાદ ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા, મધ્યપ્રદેશના ખેડૂત નેતા શિવ કુમાર કાકાજી અને બીજા ખેડૂત નેતાઓએ મીડિયાને સંબોધન કર્યું હતું. (PTI Photo/Manvender Vashist)

કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને કેન્દ્ર સરકારે બુધવારે તેમની ચિંતા દૂર કરવા અંગે ટેકાના લઘુતમ ભાવની સિસ્ટમ ચાલુ રાખવા અને કૃષિ કાયદામાં કેટલાંક સુધારા સહિતના કેટલાંક મુદ્દે લેખિત બાંયેધરી આપવાની બુધવારે એક દરખાસ્ત મોકલી હતી, પરંતુ ખેડૂતોએ આ લેખિત દરખાસ્તને ફગાવી દીધી હતી. ખેડૂતોએ આંદોલનને જલદ બનાવવા માટે વિવિધ પગલાની પણ જાહેરાત કરી હતી. ખેડૂતોએ 14 ડિસેમ્બરે રાષ્ટ્રવ્યાપી દેખાવો કરવાની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ખેડૂતોની મંગળવારે થયેલી બેઠક પછી બુધવારે સરકારે ખેડૂત નેતાઓને દરખાસ્ત મોકલી હતી. જોકે ખેડૂત નેતાઓએ કહ્યું કે દરખાસ્તમાં ગોળ-ગોળ વાતો છે. સરકાર ભલુ કરવાની વાત કરી રહી છે, પણ તે કેવી રીતે કરશે તે અંગે સ્પષ્ટતા નથી. પ્રસ્તાવ પર ચર્ચા-વિચારણા કર્યા પછી ખેડૂતોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આંદોલનની આગળની રણનીતિની જાહેરાત કરી હતી.

ખેડૂત નેતાઓએ જાહેર કરેલા પગલાં મુજબ ખેડૂતો પહેલી ડિસેમ્બરના રોજ દેશભરમાં ટોલ પ્લાઝા ફ્રી કરી દેશે. દિલ્હી-જપુર હાઈવેને બંધ કરાશે. દેશભરમાં તમામ જિલ્લાની મુખ્ય ઓફિસોમાં 14 ડિસેમ્બરના રોજ ધરણા કરાશે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો તેમા સામેલ થશે. જેઓ સામેલ નહીં થાય તેઓ દિલ્હી રવાના થશે. ખેડૂતો અંબાણીના મોલ, પ્રોડક્ટ અને ટોલનો બોયકોટ કરાશે. ભાજપના નેતાઓનો નેશનલ લેવલે બોયકોટ કરાશે. તેમના બંગલા અને ઓફિસ બહાર પ્રદર્શન કરાશે.