કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ચલો કૂચ દરમિયાન દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. (PTI Photo/Atul Yadav)

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતોનું આંદોલન રવિવારે ત્રીજા દિવસમાં પ્રવેશ્યું હતું. દિલ્હી ચલો આંદોલનના ભાગરૂપે હજારો ખેડૂતો દિલ્હી અને હરિયાણા વચ્ચે સિંધુ અને ટિકરી સરહદ પર એકઠા થયા છે. રવિવારે યોજાયેલી ખેડૂત સંગઠનોની મીટિંગમાં ખેડૂતોએ નિર્ણય કર્યો હતો કે તેઓ બુરાડી નહીં જાય કારણ કે તે ખુલ્લી જેલ છે, આંદોલન માટેની જગ્યા નથી. ખેડૂતોએ હવે દિલ્હી જતા તમામ રસ્તા બ્લોક કરવાની યોજના બનાવી હતી.

અગાઉ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ખેડૂત દિલ્હીની બહાર આવેલા બુરાડી મેદાન પર ભેગા થાય. ત્યાર પછી તેમની સાથે સરકાર મંત્રણા કરશે. ખેડૂત સંગઠન પહેલાથી જ કહી ચુક્યા છે કે તે દિલ્હીને ઘેરવા આવ્યા છે, દિલ્હીમાં ઘેરાઈ જવા માટે નહીં. રવિવારે મન કી બાત નામના માસિક રેડિયો સંબોધનમાં કૃષિ કાયદાને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે કૃષિ સુધારાથી ખેડૂતો બંધનમુક્ત થયા છે અને તેનાથી ખેડૂતોને નવા હકો અને તકો મળી છે.

બીજી તરફ ઉત્તર પ્રદેશના ખેડૂતો પણ રવિવારે સવારે દિલ્હી-ગાજીપુર બોર્ડર પર ભેગા થયા હતા. આ તમામ ભારતીય ખેડૂત યુનિયનના બેનર હેઠળ અહીંયા આવ્યા હતા. તે કૃષિ કાયદા વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવવા માટે સંસદ ભવન જવા માટેની યોજના ધરાવે છે.

અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, સરકાર વાતચીત માટે નક્કી દિવસ 3 ડિસેમ્બરથી પહેલા પણ ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે અપીલ કરી હતી કે ખેડૂત દિલ્હીના બહારના વિસ્તાર બુરાડીમાં નિરંકારી સમાગમ ગ્રાઉન્ડ પર પ્રદર્શન કરે. આ અંગે ખેડૂતોએ કહ્યું કે, સરકારને ખુલ્લા દિલે આગળ આવવું જોઈએ, શરતો સાથે નહીં.