સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની બીજી વન-ડે ઇન્ટરનેશન મેચમાં ભારતનો પરાજય થયો હતો. મેચ ગુમાવ્યા બાદ ભારતના નવદીપ સૈનીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. ( REUTERS/Loren Elliott)

સીડનીમાં રવિવારે રમાયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને 51 રને હરાવી ત્રણ મેચની આ સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ સાથે સીરીઝ જીતી લીધી હતી. બન્ને મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરી જંગી સ્કોર ખડકી દીધા હતા. ભારત રન ચેઝમાં ઓસ્ટ્રેલિયા માટે જરાય પડકારજનક બન્યું નહોતું. બન્ને મેચમાં સ્ટિફન સ્મિથને સદી કરવા બદલ મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
રવિવારની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે 389 રન કરી ભારત સામે 390 રનનો ટાર્ગેટ મુક્યો હતો. તેના જવાબમાં ભારત 9 વિકેટે ફક્ત 338 રન કરી શક્યું હતું.

ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીફન સ્મિથે આ બીજી મેચમાં પણ સદી કરી હતી, તો બાકીના ચારે બેટ્સમેને પણ અડધી સદી તો કરી જ હતી. કોહલીએ સાત બોલર્સ અજમાવ્યા હતા અને તેમાં હાર્દિક પંડ્યાની ચાર ઓવરમાં 24 રન સાથે છ રનની સૌથી સારી એવરેજ હતી, બુમરાહ સહિતના બાકીના બધા બોલર્સે 7.75 કરતાં વધુ એવરેજથી રન આપ્યા હતા.

જવાબમાં ભારત તરફથી સુકાની વિરાટ કોહલી (89) તેમજ વિકેટકીપર બેટ્સમેન કે એલ રાહુલ (76) જ કઈંક દમદાર બેટિંગ કરી શક્યા હતા, તે સિવાયના કોઈ બેટ્સમેન 30થી વધુનો સ્કોર કરી શક્યા નહોતા. ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક સાવ નિષ્તેજ બોલર રહ્યો હતો, તેણે 9 ઓવર્સમાં એકપણ વિકેટ લીધા વિના 82 રન આપ્યા હતા, બાકીના બધા જ બોલર્સની એવરેજ 6.80 કરતાં ઓછી રહી હતી. પેટ કમિન્સે 10 ઓવર્સમાં 67 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી, તો હેઝલવુડ અને ઝામ્પાએ બે-બે વિકેટ ઝડપી હતી. ભારતના સુકાની વિરાટ કોહલીએ મેચ પછી કબૂલ કર્યું હતું કે, તેની ટીમનો દેખાવ દરેક પાસામાં નબળો રહ્યો હતો, ઓસ્ટ્રેલિયાએ બન્ને મેચમાં ચડિયાતો દેખાવ કર્યો હતો.

પ્રથમ વન-ડેમાં ભારત 66 રને હાર્યુઃ એ પહેલા, શુક્રવારે (27 નવેમ્બર) સીડનીમાં જ રમાયેલી પ્રથમ વન-ડેમાં પણ ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 374 રન કર્યા હતા અને પછી ભારતને 8 વિકેટે 308 રન સુધી મર્યાદિત રાખી 66 રને વિજય નોંધાવ્યો હતો.
આ મેચમાં પણ એરોન ફિંચે ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો.

375 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સર્વાધિક 90 અને ઓપનર શિખર ધવને 74 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝમ્પાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. તેના સિવાય જોશ હેઝલવુડે 55 રન આપીને ત્રણ વિકેટ ઝડપી છે.

ભારત તરફથી મયંક અગ્રવાલ અને શિખર ધવને ઝડપી શરૂઆત કરી. બંન્નેએ 5 ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા. મયંક અગ્રવાર 22 રન બનાવી હેઝલવુડના બોલને પુલ કરવાના પ્રયાસમાં ગ્લેન મેક્સવેલના હાથે કેચઆઉટ થઈ ગયો હતો. ફિંચ અને સ્મિથે સદીઓ ફટકારી હતી, તો વોર્નરે 69 તેમજ મેક્સવેલે 45 રન કર્યા હતા. આ મેચમાં મોહમ્મદ શમીએ 59 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે બુમરાહ, સૈની અને ચહલ ધોવાયા હતા, તેમણે અનુક્રમે 73, 83 અને 89 રન આપી એક-એક વિકેટ લીધી હતી. જાડેજાએ 10 ઓવર્સમાં 63 રન આપ્યા હતા અને એકપણ વિકેટ લઈ શક્યો નહોતો.

ભારત વતી શિખર ધવને 74 અને હાર્દિક પંડ્યાએ 90 રન કર્યા હતા, તે સિવાયનો કોઈ બેટ્સમેન 30
સુધી પહોંચી શક્યો નહોતો અને ભારતે 50 ઓવર્સમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ ચાર અને હેઝલવુડે ત્રણ વિકેટ ઝડપી હતી.