નવી દિલ્હીની ટીકરી બોર્ડર પર બેરિકોડ તોડીને આંદોલનકારી ખેડૂતો દિલ્હીમાં ઘુસ્યા હતા. REUTERS/Anushree Fadnavis

ભારતમાં મંગળવારે 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી હતી ત્યારે દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ ટ્રેક્ટર રેલીને નામે શહેરમાં હજારોની સંખ્યામાં ઘૂસી જઈ ભારે અરાજકતા ઊભી કરી હતી. પાટનગરમાંમાં ઠેરઠેર પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી અને તેમાં એક ખેડૂતનું મોત થયું હતું. ખેડૂતોની હિંસામાં 83 પોલીસ અને બે ખેડૂતોને ઇજાઓ પણ થઈ હતી. સેંકડો ખેડૂતો ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા અને કેટલાકે તો કિલ્લામાં ઘૂસી જઈ પોતાના ધ્વજ લહેરાવી દીધો હતો. પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસનો ઉપયોગ કરીને 90 મિનિટની મહેનત પછી ખેડૂતોને બહાર તગેડી મૂક્યા હતા. સરકારે દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને દિલ્હી મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરાવ્યાં હતા.

ટ્રેક્ટરો સાથે હજારો ખેડૂતોએ દિલ્હીમાં અરાજકતા અને દહેશતનો માહોલ ઊભો કર્યો હતો. પોલીસ પર પથ્થરમારો કરીને અનેક જગ્યાએ ભારે તોડફોડ કરી હતી. સેંકડો ખેડૂતો તેમને અપાયેલી મંજૂરીની શરતોનો ભંગ કરીને દિલ્હીમાં પ્રવેશી ગયા હતા. દેખાકારોએ હાથમાં લાકડીઓ લઇને પોલીસનો પીછો કર્યો હતો અને પોલીસે પાર્ક કરેલી બસ સાથે તેમના ટ્રેક્ટર્સ અથડાવ્યા હતા. આઇટીઓ ખાતે એક બસમાં તોડફોડ કરી હતી. સેંકડો ખેડૂતોએ સેન્ટ્રલ દિલ્હી તરફ કૂચ કરી હતી. આઇટીઓ ખાતે વોરઝોન જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ખેડૂતોનું એક ગ્રૂપ ઈન્ડિયા ગેટ તરફ આગળ વધ્યું હતું..

પોલીસે એવો પણ દાવો કર્યો છે કે નિહંગોએ તલવારથી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. અક્ષરધામ મંદિર નજીક નિહંગોના ટોળા સુરક્ષા જવાનો સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા.

પોલીસે પ્રજાસત્તાક દિનની પરેડ પૂરી થાય તે પછી નિર્ધારિત રૂટથી ટ્રેકટર રેલી કાઢવાની પરવાનગી આપી હતી, પરંતુ ખેડૂતોએ તેનો ભંગ કર્યો હતો અને બેરિકેડ તોડી હજારોની સંખ્યામાં દિલ્હીમાં પ્રવેશ્યા હતા. ખેડૂતોના નેતાઓએ પ્રજાસત્તાક દિનની પરેડ પછી જ ટ્રેક્ટર પરેડ ચાલુ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ સિંઘુ, ટિકરી અને ગાઝીપુર ખાતે એકઠા થયેલા ખેડૂતો ટ્રેક્ટર્સ લઈને વહેલા દિલ્હીમાં પ્રવેશ્યા હતા અને તેનાથી વિવિધ જગ્યાએ પોલીસ સાથે અથડામણ થઈ હતી.