ભારતમાં લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો શનિવારે અંત આવ્યો છે. ખેડૂતોની દિલ્હી બોર્ડર પરથી ઘરે પરત જવાના રવાના થયા હતા. આંદોલનના અગ્રણી રાકેશ ટિકૈતે ખેડૂતોના પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા. ખેડૂતો ટ્રેકટરોમાં રવાના થયા હતા, જોકે, ટિકૈત સિંઘુ બોર્ડર પર જ હતા. તેમણે જણાવ્યું હતું કે, હું હજી બીજા ચાર દિવસ બોર્ડર પર રહેવાનો છું અને 15 ડિસેમ્બરે ગાઝીપુર બોર્ડર છોડીને મુઝ્ઝફરનગર જવા રવાના થઈશ.
પ્રથમ ટુકડી સવારે સાડા આઠ વાગ્યે રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, સરકારે કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ પણ ટેકાના ભાવ અંગે ખેડૂતોએ આંદોલન ચાલુ રાખ્યું હતું. જોકે, સરકારે લેખિતમાં ખેડૂતોની આ ભાવ સહિતની પાંચ માંગણીઓ સ્વીકારી હોવાથી ખેડૂતોએ આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.
સરકારે ખેડૂતોને પત્ર લખીને તેમાં કહ્યુ છે કે, એમએસપી પર સરકારે કમિટી બનાવવાનું નક્કી કર્યુ છે અને તેમાં ખેડૂત આગેવાનોને પણ સામેલ કરાશે. ખેડૂતો પરના કેસો પાછા ખેંચવા માટે દરેક રાજ્ય સરકારે સંમતિ આપી હોવાનું પત્રમાં સરકારે કહ્યું છે અને સાથે સાથે ભારત સરકાર સાથે જોડાયેલી એજન્સીઓ અને દિલ્હી પોલીસ પણ ખેડૂતો સામેના કેસ પાછા ખેંચશે. સંબંધિત રાજ્ય સરકારોએ મૃત્યુ પામેલા ખેડૂતોને વળતર આપવા માટે પણ સંમતિ આપી છે. સરકારે પત્રમાં આગળ જણાવ્યું હતું કે, સંસદમાં રજૂ થનારા વીજ બિલમાં ખેડૂતો પર અસર કરે તેવી જોગવાઈઓ પર પહેલા ખેડૂતો સાથે અને બીજા સબંધિત પક્ષો સાથે ચર્ચા થશે અને એ પછી જ બિલ સંસદમાં રજૂ કરાશે.