અત્યારે અમેરિકામાં પ્રેસિડેન્ટ જો બાઇડેનના એડમિનિસ્ટ્રેશનમાં અનેક ઇન્ડિયન અમેરિકન્સને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ સ્થિતિમાં વધુ એક ઇન્ડિયન અમેરિકનને વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાઈડને મહત્વની જવાબદારી સોંપી છે. પ્રેસિડેન્ટ બાઇડેને પોતાની પર્સનલ ઓફિસના પ્રેસિડેન્ટ તરીકે ગૌતમ રાઘવનની નિમણૂક કરી છે. આ ઓફિસને વ્હાઈટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસ તરીકે પણ ઓળખાય છે. આ ઓફિસનું કામ વ્હાઈટ હાઉસમાં નવી નિમણૂકો સાથે સંકળાયેલી જવાબદારીઓ પર ધ્યાન આપવાનુ છે. નવા લોકોની નિમણૂકમાં આ ઓફિસ મહત્વની ભૂમિકા ભજવે છે. રાઘવન અત્યાર સુધી આ ઓફિસના ડેપ્યુટી ડાયરેક્ટર હતા. બાઈડેને કહ્યું હતું કે, મને ગૌતમની નિમણૂક ઓફિસના પ્રેસિડેન્ટ તરીકે કરતા ખુશી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રાઘવનનો જન્મ ભારતમાં થયો હતો પણ પછી તેઓ માતા-પિતા સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે અને એક પુસ્તકનુ સંપાદન પણ કર્યુ છે.
જોકે, મહત્ત્વની બાબત એ છે કે, તેઓ સમલૈંગિક છે અને પોતાના પતિ તેમજ દીકરી સાથે વોશિંગ્ટનમાં રહે છે. ચૂંટણી પછી બાઈડેન અને કમલા હેરિસની ટીમમાં પસંદ થનારા તેઓ પ્રથમ હતા.