અંગ્રેજી વૈશ્વિક ભાષા હોવાથી ગુજરાતમાં માતા-પિતા પોતાના બાળકોને નાનપણથી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાનું વલણ અપનાવી રહ્યા છે. આ વલણને કારણે ગુજરાતી માધ્યમની ઘણી સ્કૂલો બંધ રહી છે અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોની નવી જરૂર ઊભી થઇ છે.
આ મામલે અમદાવાદની સ્થિતિ એવી છે કે, અહીં છેલ્લા ત્રણ વર્ષમાં 69 સ્કૂલો બંધ થઇ ગઇ છે, બંધ થયેલી સ્કૂલોમાં સૌથી વધુ સ્કૂલો ગુજરાતી માધ્યમની છે. બંધ થનારી 69 સ્કૂલોમાં 50 ગુજરાતી માધ્યમની જ્યારે 17 સ્કૂલો અંગ્રેજી માધ્યમની છે, ઉપરાંત 2 સ્કૂલો હિન્દી માધ્યમની પણ બંધ કરવામાં આવી છે. વાલીઓ અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પ્રવેશ લેવાનું વધુ પસંદ કરી રહ્યા હોવાથી ગુજરાતી માધ્યમની સ્કૂલોની સંખ્યા સતત ઘટી રહી છે.
અંગ્રેજી વૈશ્વિક ભાષા હોવાથી ઉચ્ચ અભ્યાસ, વિદેશમાં અભ્યાસની તક, પ્રાઇવેટ સેક્ટર અને બિઝનેસમાં તેની જરૂરીયાત હોવાથી વાલીઓ બાળકો માટે તેને પસંદ કરી રહ્યાં છે. આથી સંચાલકો પણ વાલીઓની પસંદગી અને ટ્રેન્ડને જોતા ગુજરાતી માધ્યમ બંધ કરી રહ્યાં છે. આ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓની ઓછા સંખ્યા પણ સ્કૂલો બંધ થવાનું એક કારણ છે. શિક્ષણવિદોના મતે વર્ષ 2021-22 દરમિયાન પણ વધુ ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થવાની શક્યતા છે. સ્કૂલ સંચાલકોના મતે, ગુજરાતી માધ્યમની સ્કૂલોની સરખામણીએ અંગ્રેજી માધ્યમની સ્કૂલોની ફી વધારે હોય છે. જેથી સંચાલકો પણ વાલીઓ પાસેથી વધુ ફી વસૂલી શકે છે. એક જ કેમ્પસમાં ચાલતી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ગુજરાતી માધ્યમ માટેના બજેટમાં સંચાલકો ઘટાડો કરી રહ્યા છે.