જન્મજાત
(Photo by DREW ANGERER/AFP via Getty Images)

બોસ્ટનમાં એક ફેડરલ અપીલ કોર્ટે શુક્રવાર, 3 ઓક્ટોબરના રોજ અમેરિકામાં જન્મજાત નાગરિકત્વ સમાપ્ત કરવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને રદ કર્યો હતો. ટ્રમ્પે જાન્યુઆરીમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરીને અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ અથવા કામચલાઉ વિઝા ધારકોના અમેરિકાની ધરતી પર જન્મ લેતા બાળકોને ઓટોમેટિક યુએસ નાગરિકત્વ પર નિયંત્રણો મૂક્યાં હતાં. કોર્ટના ચુકાદાથી જન્મજાત નાગરિકતાના અધિકારને સમાપ્ત કરવાના ટ્રમ્પને પ્રયાસોને મોટો ફટકો પડ્યો હતો.

બોસ્ટનની અપીલ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દેશમાં ગેરકાયદે અથવા અસ્થાયી રૂપે રહેતા લોકોના જન્મેલા બાળકોની નાગરિકતા છીનવી શકે નહીં. કોર્ટે ટ્રમ્પના આદેશને અટકાવવાના અગાઉના આદેશને યથાવત્ રાખ્યો હતો.

અમેરિકી સર્કિટ જજ ડેવિડ બેરોને કહ્યું કે, ‘ટ્રમ્પનો આદેશ અમેરિકી બંધારણના 14મા સુધારાનું ઉલ્લંઘન કરે છે, તે સુધારા મુજબ, અમેરિકામાં જન્મ લેનાર કોઈપણ વ્યક્તિ અમેરિકી નાગરિક ગણાય છે.

કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે કેલિફોર્નિયા તે 20 રાજ્યોમાંનું એક છે, જેમણે ટ્રમ્પના આ આદેશને કોર્ટમાં પડકાર્યો હતો. ફર્સ્ટ અમેરિકી સર્કિટ અપીલ ન્યાયાલયના ચુકાદોનું સ્વાગત છે. અમે પહેલેથી જ જાણતા હતા કે, ટ્રમ્પનો આદેશ ખોટો છે. ટ્રમ્પનો આદેશ જન્મજાત નાગરિકતા પર એક હુમલો અને બંધારણના 14મા સુધારાનું ઘોર ઉલ્લંઘન હતું. વિપક્ષી નેતાઓએ પણ ચુકાદા પર ખુશી વ્યક્ત કરી હતી.

વ્હાઈટ હાઉસની પ્રવક્તા એબિગેલ જેક્સને નિર્ણય પર નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ‘કોર્ટે 14મા સુધારાની ખોટી વ્યાખ્યા કરી છે. અમને સુપ્રીમ કોર્ટ તરફથી ન્યાય મળવાની આશા છે.’

ન્યાય વિભાગે પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં એક્ઝિક્યુટિવ ઓર્ડરની સુનાવણી માટે અરજી કરી છે, જે નજીકના મહિનાઓમાં મોટી કાનૂની લડાઈ માટેનો તબક્કો શરૂ કરે તેવી શક્યતા છે.કાયદાકીય નિષ્ણાતોએ સંકેત આપ્યો હતો કે સુપ્રીમ કોર્ટ આગામી ઉનાળામાં ચુકાદો આપી શકે છે કે ટ્રમ્પના આદેશનો કોઈ બંધારણીય આધાર છે કે નહીં. દરમિયાન મનાઈ હુકમો યથાવત છે, અને જન્મજાત નાગરિકતા 1868થી જેવો કાયદો છે તેવો જ રહેશે.

LEAVE A REPLY