વિદેશી પ્રવાસીઓ માટે પહેલી ઓક્ટોબરથી ભારતમાં ઇમિગ્રેશનની પ્રોસેસ વધુ સરળ બનશે અને ઇમિગ્રેશન કાઉન્ટર પર વિલંબ ભૂતકાળ બની જશે. ભારતમાં મુસાફરી કરતાં વિદેશીઓએ ઇમિગ્રેશન કાઉન્ટર પર ફિઝિકલ ડિસએમ્બાર્કમેન્ટ કાર્ડ ભરવાની જરૂર રહેશે નહીં.
વર્ક, પર્યટન, અભ્યાસ અથવા બિઝનેસ માટે ભારતમાં મુસાફરી કરતા તમામ વિદેશી નાગરિકોને ડિજિટલ અરાઇવલ કાર્ડ્સ ઓનલાઇન સબમિટ કરવાનો વિકલ્પ મળશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન પ્રોસેસ ઓઇલાઇન થશે અને તેનાથી પ્રવાસીઓ પ્રવાસ પહેલા ડિજિટલ એરાઇવલ કાર્ડ સબમિટ કરી શકશે.
ઈ-એરાઈવલ કાર્ડમાં પાસપોર્ટ નંબર, રાષ્ટ્રીયતા, મુલાકાતનો હેતુ, ભારતમાં સરનામું અને સંપર્ક વિગતો જેવી સામાન્ય વિગતોની જરૂર પડશે. કોઈ દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી. ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ ધારકોને આ ઈ-અરાઈવલ કાર્ડ ભરવાની જરૂર રહેશે નહીં.
અમિત શાહના નેતૃત્વ હેઠળનું કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઇમિગ્રેશનને ઝડપી બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં તેમણે લખનૌ, તિરુવનંતપુરમ, ત્રિચી, કોઝિકોડ અને અમૃતસર એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન પ્રોગ્રામ ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ (FTI-TTP) શરૂ કર્યો હતો. હાલમાં ભારતીય નાગરિકો અને OCI કાર્ડ ધારકોને આ પ્રોગ્રામનો લાભ મળશે. આ પ્રોગ્રામ 2024માં દિલ્હીથી શરૂ કરાયો હતો. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, કોચી અને અમદાવાદમાં તેનો અમલ શરૂ થયો છે. હાલમાં, 13 એરપોર્ટ પર FTI-TTP છે.
આ પ્રોગ્રામથી પ્રવાસીઓને હવે લાંબી કતાર કે મેન્યુઅલ ચેકિંગનો સામનો કરવો પડશે નહીં. તેઓ ફક્ત 30 સેકન્ડમાં વિલંબ વિના ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે. લગભગ 3 લાખ પ્રવાસીઓએ (FTI-TTP) પોર્ટલ પર નોંધણી કરાવી છે, જેમાંથી 2.65 લાખ લોકોએ મુસાફરી દરમિયાન તેનો ઉપયોગ કર્યો છે.
