જાણીતી અભિનેત્રીઓ માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગર અભિનિત ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’ તાજેતરમાં જ રિલીઝ થઈ હતી. આ એક સામાજિક ડ્રામા ફિલ્મ છે, જેમાં ઘર-ઘરની કહાનીને રમુજી અને મનોરંજક રીતે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘નાચ ગં ઘુમા’ની અધિકૃત ગુજરાતી રીમેક છે.

ફિલ્મમાં નોકરાણી અને વર્કિંગ વુમન વચ્ચેના સંબંધોની વાર્તા દર્શાવવામાં આવી છે. રોજિંદા જીવનમાં સમાજના આ બંને પાત્રોને એકબીજા વગર ચાલતું નથી, પરંતુ સાથે હોય ત્યારે એટલી જ કચકચ જોવા મળે છે. ગુજરાતી ફિલ્મમાં આવી સ્ટોરી કદાચ પ્રથમવાર રજૂ કરવામાં આવી છે.

આ ફિલ્મમાં માનસી (માનસી પારેખ) બેંકમાં કામ કરતી એક મહિલાની સાથે સાથે પત્ની અને માતા છે. તેણે ઘરના કામ માટે તેણે મદદ માટે રાની (શ્રદ્ધા ડાંગર)ને રાખી છે. બંને વચ્ચે રોજ કોઈને કોઈ બાબતે વિવાદ થાય છે અને પછી એક દિવસ માનસી ગુસ્સામાં આવીને રાનીને ઘરનું કામ છોડવાનું કહે છે. રાની પણ તેને છોડીને બીજે જતી રહે છે. હવે માનસીને ઓફિસ અને ઘર બંને એક સાથે સંચાલન કરવામાં મુશ્કેલી પડે છે. આથી તે ક્યારેક તેના પતિ (ઓજસ રાવલ) પર ગુસ્સે થઈ જાય છે અને તેને તાત્કાલિક નવી કામ કરનારી મહિલા શોધવા કહે છે. ઓફિસમાં પણ માનસીનું ધ્યાન સતત કામવાળી આવી કે નહીં તેના પર રહે છે.

માનસીનો પતિ જિજ્ઞેશ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે કામ કરે છે. તે દરેક વખતે તેને પાંચ-છ જાપાનીઝ સાથે મીટિંગ કરતો જ જોવા મળે છે. આ મુદ્દે પતિ-પત્નીની મમ્મીઓ પણ પોતાપોતાના કામવાળા લઈને આવે અને તેમાં વળી જૈન અને વૈષ્ણવ ધર્મની માન્યતાઓ પણ વચ્ચે આવે છે.

માનસીના બોસ રેમ્બોની ભૂમિકા સંજય ગોરડિયાએ ભજવી છે. માનસીના ઘરે રોજે રોજ કોઈને કોઈ નવી મહિલાઆવે છે, પરંતુ તેને એક પણ કામવાળી મહિલા પસંદ પડતી નથી. હવે માનસીને રાની જેવી જ કામ કરનારી મહિલા મળે છે કે પછી રાની જ પાછી આવે છે, આ પ્રશ્નનો જવાબ જાણવા માટે આ ફિલ્મ જોવી જ રહી.

કોમેડી, ડ્રામા અને પારિવારિક સંબંધોનું અનોખું મિશ્રણ ધરાવતી આ ફિલ્મના અન્ય કલાકારો કૌશંબી ભટ્ટ, બ્રિંદા રાવલ, દિલીપ રાવલ, સુરભી ઝવેરી, તર્જની ભાડલા, કવિન જાની, નિલેશ પંડ્યા, પ્રણવ ત્રિપાઠીનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિરલ શાહનું છે. આ ફિલ્મ માત્રને માત્ર એક ઘરમાં શૂટ થઈ ગઈ હોય તેમ જણાય છે. ઘર સિવાય અન્ય કોઈ વાર્તા જ ના હોય તેમ સતત લાગ્યા કરે છે. આ ફિલ્મમાં સંગીત પાર્થ ભરત ઠક્કરનું છે. આ ફિલ્મના લેખક રામ મોરી અને અભિનેતામાંથી લેખક બનેલા હાર્દિક સાંગાણી છે.

LEAVE A REPLY