સોમવારે અમદાવાદમાં કોમનવેલ્થ ચેમ્પિયનશિપ 2025માં ઓલિમ્પિક વેઇટલિફ્ટર એસ મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો. હતો. (@Media_SAI X/ANI Photo)

ભારતીય મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ અમદાવાદમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવા સાથે પોતાની વાપસી યાદગાર બનાવી છે. 48 કિગ્રા વર્ગમાં ભાગ લેતા ચાનુએ કુલ 193 કિગ્રા વજન ઉપાડ્યું હતું.

સ્નેચમાં તેની શ્રેષ્ઠ લિફ્ટ 84 કિગ્રા હતી, જ્યારે તેણે ક્લીન એન્ડ જર્કમાં 109 કિગ્રા વજન ઉપાડ્યું હતું.
ચાનુએ પેરિસ ઓલિમ્પિક્સ પછી પહેલી વાર આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. 2020 ટોકિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ વિજેતા ચાનુ પેરિસમાં મેડલ હાંસલ કરી શકી નહોતી.

ઈજાને કારણે ચાનુ લગભગ એક વર્ષ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી દૂર રહી હતી. તૈયારીના અભાવની અસર તેના દેખાવમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. સ્નેચમાં 3 પ્રયાસોમાં તેની ફક્ત એક જ લિફ્ટ સફળ રહી હતી.

સ્નેચ પછી ક્લીન એન્ડ જર્ક લિફ્ટિંગમાં ચાનુએ પહેલા પ્રયાસમાં 105 કિલો વજન ઉપાડ્યું હતું, તો બીજા પ્રયાસમાં તેણે સરળતાથી 109 કિલો વજન ઉપાડ્યું હતું. ત્રીજા પ્રયાસમાં તેણે 113 કિલો વજન ઉપાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહી હતી.

31 વર્ષની ચાનુ પહેલા 49 કિગ્રા વર્ગમાં વેઇટલિફ્ટિંગ કરતી હતી. જોકે, ગયા ઓલિમ્પિકમાં 49 કિગ્રા વર્ગ દૂર કરાયાના કારણે તેને 48 કિગ્રા વર્ગમાં શિફ્ટ થવું પડ્યું હતું.

LEAVE A REPLY