બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (ફાઇલ ફોટો SAJJAD HUSSAIN/AFP via Getty Images)
સામાન્ય રીતે સીક્વલનું નિર્માણ થાય છે ત્યારે તેની તુલના ફિલ્મના પ્રથમ ભાગ સાથે થાય છે. પરંતુ આ ફિલ્મમાં નવું જ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સેક્સ જેવા મુદ્દાને સમજણપૂર્વક અને તાર્કિક રીતે રજૂ કર્યો છે. તેમાં કોમેડી પણ છે.
લેખક-દિગ્દર્શક અમિત રાયની ફિલ્મ ‘OMG 2’માં અજાણતા જ એક કિશોર દ્વારા કરવામાં આવેલા એક સેક્સુઅલ એક્ટ દ્વારા આ પ્રતિબંધિત માનવામાં આવતી પ્રક્રિયા પર ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત ફિલ્મમાં સ્કૂલમાં સેક્સ એજ્યુકેશનને ફરજિયાત કરવાની હિમાયત પણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેન્સર બોર્ડે આ ફિલ્મને 27 કટ્સ અને એ સર્ટિફિકેટ ના આપ્યું હોત તો આજના જરૂરી મુદ્દા પર બનેલી આ ફિલ્મ દરેક ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકી હોત અને આ મુદ્દે તેમને નવો દ્રષ્ટિકોણ આપી શકાયો હોત.
આ ફિલ્મની વાર્તા મહાદેવના પરમ ભક્ત કાંતિશરણ મુદુગલ (પંકજ ત્રિપાઠી)ના કિશોર વયના પુત્ર વિવેક (આરુષ શર્મા)થી શરૂ થાય છે. અભ્યાસમાં હોંશિયાર અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અગ્રેસર વિવેક પોતાના લિંગ અને સેક્સુઆલિટીને કારણે મજાકનો ભોગ બને છે. આથી તે વૈદ્યો પાસેથી દવા લઈને એટલું બધું હસ્તમૈથુન કરે છે કે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.
આ દરમિયાન સ્કૂલમાં તેનું આ કામ વાઇરલ થઈ જાય છે અને તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે. તેને અને તેના પરિવારને સમાજ-શહેરમાં શરમમાં મૂકાવું પડે છે. હવે આ પરિવાર પાસે શહેર છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ તરફ વિવેક આત્મહત્યાનો પ્રયાસ કરે છે પરંતુ એ વખતે ભગવાન શિવની કૃપા થાય છે અને તેમનો દૂત (અક્ષયકુમાર) આવીને કાંતિને માર્ગ દેખાડે છે.
કાંતિને જ્ઞાન થાય છે, તે પોતાના પુત્રની માનસિક યાતના દૂર કરવા અને સમાજમાં તેને શરમમાં મૂકતો બચાવવા માટે સ્કૂલ સામે કેસ કરે છે. સેક્સ અંગે પૂરતી માહિતી ના આપવા બદલ તે સ્કૂલ, પોતાની જાત અને આ માટે જવાબદાર બધા જ વ્યક્તિઓ સામે કેસ કરે છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં સેક્સ એજ્યુકેશન ફરજિયાત કરવાની માગણી કરે છે. તે ઈચ્છે છે કે પોતાના પુત્રની આ હાલત માટે જવાબદાર બધા જ લોકો તેની માફી માગે અને સ્કૂલમાં તેને માન-સન્માન સાથે ફરીથી પ્રવેશ આપવામાં આવે.
સ્કૂલ પોતાના બચાવ માટે હોંશિયાર વકીલ કામિની માહેશ્વરી (યામિ ગૌતમ)ની સલાહ લે છે, જે પોતે પણ હસ્તમૈથુનને ગંદુ અને અનૈતિક કૃત્ય માને છે. જજ પુરુષોત્તમ નાગર (પવન મલ્હોત્રા) સામે બંને પોતપોતાનો પક્ષ મૂકે છે. કાંતિનો તર્ક છે કે, સ્કૂલમાં સેક્સ અંગેનું શિક્ષણ કોઈપણ આવરણ વિના મૂળ સ્વરૂપે આપવામાં આવે. જ્યારે કામિની માને છે કે, સભ્ય સમાજમાં આ શક્ય નથી. કોર્ટમાં કોની તરફેણમાં નિર્ણય આવશે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી રહી.

LEAVE A REPLY

seventeen + twelve =