નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં તાજેતરમાં યોજાયેલા એક એવોર્ડ વિતરણ સમારંભમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે વિવિધ ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ સન્માનિતોમાં બોલીવૂડની પણ અનેક હસ્તીઓનો સમાવેશ થાય છે. જેમાં જાણીતા ગાયક ડો. સુરેશ વાડેકર, ટીવી સીરિયલ અને ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર, ફિલ્મ નિર્માતા કરણ જોહર, યુવા અભિનેત્રી કંગના રનૌત, પાકિસ્તાનની નાગરિકતા છોડીને ભારતની નાગરિકતા સ્વીકારનાર ગાયક-મ્યુઝિક કંપોઝર અદનાન સામી અને નાટક, ટીવી અને ફિલ્મ અભિનેત્રી સરિતા જોશીનો સમાવેશ થાય છે. તેમણે તેમની છ દાયકાની અભિનયની કારકિર્દીમાં ગુજરાતી, મરાઠી, હિન્દી અને મારવાડી ભાષામાં અંદાજે 15 હજાર શો કર્યા છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોની જાણીતી ગાયક-સંગીતકાર બેલડી મહેશ-નરેશને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો. આ એવોર્ડ મહેશ કનોડિયા વતી હિતુ કનોડિયાએ અને નરેશ કનોડિયા વતી તેમનાં ધર્મપત્ની રતનબેને સ્વીકાર્યો હતો.