એટલાન્ટિક સમુદ્રમાં 12500 ફૂટ ઊંડે ડૂબેલા ટાઇટેનિક જહાજના કાટમાળને જોવા ગયેલી ટાઈટન સબમરીનમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના મોત થયા છે. રોબોટ ઓપરેટિંગ વ્હીકલને સબમરીનનો કાટમાળ ટાઇટેનિક જહાજના કાટમાળથી 1600 ફૂટ દૂર મળ્યો છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સબમરીનમાં મુસાફરી કરી રહેલા લોકોના મૃતદેહ મળવા ખૂબ મુશ્કેલ છે. એ એટલી ઊંડાઈમાં ડૂબ્યા છે કે ત્યાં કોઈ વ્યક્તિનું પહોંચવું અશક્ય છે, અને તેમની શોધખોળ કરવી પણ ખૂબ જ પડકારજનક છે. સંપર્ક તૂટવાના સમયે ટાઈટન સબમરીનમાં અંદાજે 96 કલાક ચાલી શકે તેટલો ઓક્સિજન બચ્યો હતો.

સબમર્સિબલ સંચાલન કરતી એક કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે, તેઓ હવે માને છે કે ગૂમ થયેલી ટાઇટન સબમરીનમાં મુસાફરી કરી રહેલા પાંચેય લોકોના મોત થઈ ગયા છે.આ સબમરીનમાં બ્રિટિશ બિલિયોનેર હામિશ હાર્ડિંગ, 48 વર્ષીય પાકિસ્તાનના બિઝનેસમેન શહજાદા દાઉદ અને તેમના 19 વર્ષીય પુત્ર સુલેમાન દાઉદ, ફ્રેન્ચ એક્સપ્લોરર પોલ આનરી નાર્લેલેટ અને ઓશનગેટના સીઈઓ સ્ટોકટન રશ જોડાયા હતા. અમેરિકન નેવીએ જણાવ્યું છે કે તેમને સબમરીનના વિસ્ફોટનો અવાજ રવિવારથી આવી રહ્યો હતો. તેમ છતાં તેમણે સર્ચ ઓપરેશન ચાલું રાખ્યું.

રોબોટ ઓપરેટિંગ વ્હીકલને કાટમાળના જે પાંચ ભાગ મળ્યા છે, એમાં એક ટેલ, કોન અને પ્રેશર હલના 2 સેક્શન સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર દરિયાના ઊંડાણમાં કોઈ પણ પ્રકારની ભૂલ જોખમી સાબિત થઈ શકે છે. 2018માં કંપનીએ એક કર્મચારીને કાઢી મૂક્યો હતો. તેનું કારણ એ હતું કે તેણે સબમરીન સાથે જોડાયેલા જોખમની ફરિયાદ સક્ષમ ઓથોરિટીને કરી હતી.15 ઓગસ્ટ 2018ના રોજ કોર્ટમાં એક ફરિયાદ થઈ હતી, એમાં કહેવાયું હતું કે સબમરીન 1300 મીટર ઊંડાઇનું દબાણ જ ઝીલી શકશે, જ્યારે ઓશનગેટ એ સબમરીનને 4000 મીટરની ઊંડાઈ સુધી મોકલી રહ્યું છે. ટાઈટેનિકના કાટમાળની પાસે જ્યાં સબમરીનનો કાટમાળ મળ્યો છે, એ જગ્યા ખૂબ ખતરનાક છે.

LEAVE A REPLY

16 + 14 =