(Photo by JEFF KOWALSKY/AFP via Getty Images)

અમેરિકાની દિગ્ગજ કંપની ફોર્ડે ભારતમાં તેનો સક્રિય બિઝનેસ બંધ કરી દીધો છે, પરંતુ વૈશ્વિક સ્તરે તેનું ઇન્ડિયા કનેક્ટ વધુ મજબૂત બન્યું છે. ફોર્ડે તેના નોન ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ બિઝનેસના ગ્લોબલ પ્રેસિડન્ટ તરીકે કુમાર ગલ્હોત્રાની નિમણૂકની જાહેરાત કરી છે. ગલ્હોત્રાનો જન્મ પંજાબમાં થયો હતો, તેઓ ફોર્ડના આશરે 100 બિલિયન ડોલરની વાર્ષિક આવક ધરાવતા આ બિઝનેસનું સુકાન સંભાળશે. ફોર્ડની આ જાહેરાત સાથે અમેરિકાની અગ્રણી કંપનીઓમાં ભારતીય મૂળના પ્રોફેશનલ્સની પકડ વધુ મજબૂત બની છે.

ગલ્હોત્રાનો જન્મ ડિસેમ્બર 1965માં થયો હતો અને તેઓ ભારતમાં ઉછેર્યા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ મિશિનગમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચરલ ઓફ સાયન્સની ડિગ્રી હાંસલ કરી હતી. તેઓ આશરે 34 વર્ષથી ફોર્ડ સાથે જોડાયેલા છે.

ગલ્હોત્રા ફોર્ડ બ્લૂના પ્રેસિડન્ટ બનશે અને તેઓ ફોર્ડના પ્રેસિડન્ટ અને સીઇઓ જિમ ફાર્લીને રિપોર્ટ કરશે. ફોર્ડ બ્લૂમાં કંપનીના ઇન્ટર્નલ કમ્બસ્ટન એન્જિન (આઇસીઇ) પ્રોડક્ટ્સ (પેટ્રોલ અને ડીઝલથી ચાલતી)નો સમાવેશ થાય છે. તેઓ તેઓ સમગ્ર વિશ્વમાં ફોર્ડની વિવિધ બ્રાન્ડ્સનો ચાર્જ સંભાળશે.

ગલ્હોત્રા 1988માં ફોર્ડમાં જોડાયા હતા. તેઓ ગ્લોબલ પ્રેસિડન્ટ બન્યા તે પહેલા ફોર્ડના પ્રેસિડન્ટ (અમેરિકા એન્ડ ઇન્ટરનેશનલ માર્કેટ્સ ગ્રૂપ) હતા. તેમણે અગાઉ ફોર્ડના નોર્થ અમેરિકા પ્રેસિડન્ટ અ લિન્કન બ્રાન્ડના ગ્રૂપ વાઇસ પ્રેસિડન્ટ તરીકે ભૂમિકા ભજવી હતી.

ફોર્ડમાં જોડાયા બાદ ગલ્હોત્રાએ પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્ટ સ્ટ્રેટેજીમાં વિવિધ ભૂમિકા ભજવી છે. તેમણે 1998માં સાઉથ અમેરિકન માર્કેટમાં ફોર્ડ રેન્જર લોન્ચ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ 2000ના દાયકાના પ્રારંભમાં ફોર્ડ એસ્કેપ, મઝદા ટ્રિબ્યુટ અને મર્ક્યુરી મરિનરના ચીફ એન્જિનિયર હતા.