કીવમાં રશિયાએ ટીવી ટાવર પર હુમલો કર્ય હતો. REUTERS/Carlos Barria

યુક્રેન પર આક્રમણને પગલે પશ્ચિમના દેશોએ રશિયા પર મૂકેલા આર્થિક પ્રતિબંધોને પગલે વિશ્વની સંખ્યાબંધ દિગ્ગજ કંપનીઓએ રશિયાના બજારમાંથી ઉચાળા ભરવાની જાહેરાત કરી દીધી છે.

આવી કંપનીઓમાં એનર્જી કંપનીઓ બીપી, શેલ, એક્ઝોમોબિલ, ઓટો કંપનીઓ વોલ્વો, ફોર્ડ, હાર્લી ડેવિડસન, રેનો, શરાબ કંપનીઓ બુડવાર, કાર્લ્સબર્ગ, વિશ્વની સૌથી મોટી શિપિંગ કંપની એ પી મોલર-મર્ક, વિમાન કંપનીઓ બોઇંગ અને એરબસ તથા એન્ટરટેઇનમેન્ટ કંપની વોનર્સ બ્રધર્સ, વોલ્ટ ડિઝની, સોની પિક્ચર, ટેકનોલોજી કંપનીઓ એપલ, ડેલ, ગૂગલ, ટિકટોક, વગેરેનો સમાવેશ થાય છે.

યુક્રેન પરના હુમલાને કારણે એપલથી લઇને ફોર્ડ અને બીપી સહિતની વિશ્વની સૌથી વધુ જાણીતી કંપનીઓને રશિયાના બજારમાંથી નીકળી જવાની ફરજ પડી રહી છે. આ કંપનીઓ પોતાના પ્રતિષ્ઠા જાળવી રાખવા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ધોરણોનું પાલન કરવા માટે આ નિર્ણય કર્યો છે.

આ કંપનીઓએ રશિયાના બજારમાં નફો કમાવવા માટે જંગી રોકાણ કરેલું છે, પરંતુ યુક્રેન યુદ્ધ પછી તેમની ગણતરી ઉંધી પડી છે. વૈશ્વિક આર્થિક પ્રતિબંધો અને નિકાસ નિયંત્રણોને કારણે રશિયાના અર્થતંત્રને ફટકો પડવાની શક્યતા છે અને કંપનીઓના બિઝનેસ કામગીરી પણ ખોરવાઈ ગઈ છે.

વોશિંગ્ટનમાં પીટર્સન ઇન્સ્ટીટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સના અર્થશાસ્ત્રી મેરી લવલીએ જણાવ્યું હતું કે રશિયા કોર્પોરેટ ક્ષેત્રમાં અછૂત બન્યું છે. બહુરાષ્ટ્રી કંપનીઓ રશિયામાં બિઝનેસ કરીને અમેરિકા અને પશ્ચિમના દેશોનો રોષ વહોરી લેવા માગતી નથી. કંપનીઓ યુક્રેનના નાગરિકોની પીડાથી પણ ચિંતિત છે.

એનર્જી કંપની બીપીએ રશિયાની સરકાર માલિકીની ઓઇલ એન્ડ ગેસ કંપનીમાં 14 અબજ ડોલરનો હિસ્સો છોડી દેવાની જાહેરાત કરી હતી. બીજી દિવસે શેલે રશિયાની સરકારી કંપની ગેઝપ્રોમ સાથેના સંયુક્ત સાહસમાંથી નીકળી જવાની જાહેરાત કરી હતી. શેલે રશિયાથી પશ્ચિમ યુરોપ નેચરલ ગેસના પરિવહન માટેના નોર્ડસ્ટ્રીમ-2 પાઇપલાઇન પ્રોજેક્ટને પણ હાલ મોકૂફ રાખ્યો છે. એક્ઝોમોબિલ મોટા ઓઇલ એન્ડ ગેસ પ્રોજેક્ટ્સમાંથી નીકળી જશે અને કોઇ નવું રોકાણ નહીં કરે. નાની એનર્જી કંપનીઓએ પણ આવી જાહેરાત કરી છે.

કઇ કઇ કંપનીએ એક્ઝિટ લીધી

-સ્વીસ ઓટો બ્રાડ વોલ્વો રશિયામાં કારની ડિલિવરી નહીં આપે.

-અમેરિકાની ઓટો કંપની ફોર્ડ રશિયાના બિઝનેસને સમેટી લેશે.

-હાર્લી ડેવિડસન રશિયામાં મોટરસાઇકલની નિકાસ બંધ કરી .

-રેનોએ લોજિસ્ટિક્સ મુદ્દાને કારણે મોસ્કો પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કર્યું

– ઝેકોસ્લોવાકિયાની શરાબ કંપની બુડવારે ઉત્પાદન અને નિકાસ બંને બંધ કર્યું

-વિશ્વની સૌથી મોટી શિપિંગ કંપની એ.પી મોલર-મર્કે રશિયાના પોર્ટમાં નહીં જાય

-વિમાન કંપની બોઇંગ અને એરબસ સ્પેર-પાર્ટસ અને સર્વિસ સપોર્ટ બંધ કરશે.

-હોલિવૂડ સ્ટુડિયો રશિયામાં હવેથી નવી ફિલ્મ રિલીઝ નહીં કરે

-એપલ તેના આઇફોન અને બીજી ડિવાઇસનું રશિયામાં વેચાણ નહીં કરે

-કમ્પ્યૂટર કંપની ડેલ ટેકનોલોજીએ યુક્રેન અને રશિયામાં વેચાણ બંધ કર્યું

ગૂગલ અને ટિકટોકે તેમના પ્લેટફોર્મમાં રશિયાની મીડિયા ચેનલને બ્લોક કરી