(istockphoto.com)

કોરાના મહામારીને પગલે હવાઇ મુસાફરી પર નિયંત્રણો હોવા છતાં ગુજરાતમાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીની સંખ્યા ચાલુ શૈક્ષણિક વર્ષે લગભગ બમણી થઈ છે. ગુજરાતની કેટલીક અગ્રણી યુનિવર્સિટીઓમાં 2020-21ના શૈક્ષણિક વર્ષમાં વિદેશના 2,052 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે. આની સામે 2009-20ના વર્ષમાં વિદેશના 1,176 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. વિદેશના મોટા ભાગના વિદ્યાર્થીઓએ ટેકનિકલ કોર્સમાં પ્રવેશ લીધા છે.

આફ્રિકાના દેશોમાં ટ્રાવેલ પર નિયંત્રણો દૂર કરવામાં આવે તો ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. આ વર્ષના પ્રારંભમાં ગુજરાત સરકારે સ્ટડી ઇન ગુજરાત યોજાનીની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ સરકારે આ વર્ષના પ્રારંભમાં દસ દેશોમાં રોડશોનું આયોજન કર્યું હતું. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે અત્યાર સુધી 181 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે, આની સામે ગયા વર્ષે આ સંખ્યા 51 હતી. પારુલ યુનિવર્સિટીમાં આ વર્ષે વિદેશના 1,004 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે.