REUTERS/Ann Wang/File Photo

અનિલ અગ્રવાલના વડપણ હેઠળના વેદાંત ગ્રુપ સાથેના $19.5 બિલિયનના સેમિકન્ડક્ટર સંયુક્ત સાહસમાંથી ખસી ગયાના એક દિવસ પછી ફોક્સકોને મંગળવારે જણાવ્યું હતું કે તેને ભારતમાં ચિપ ઉત્પાદન સુવિધાની સ્થાપના કરવામાં હજી પણ રસ છે અને તે નવા, વૈવિધ્યપૂર્ણ ભાગીદારોની શોધમાં છે. ફોક્સકોન ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પોલિસી હેઠળના પ્રોત્સાહનોનો લાભ લેવાની યોજના વિચારી રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે વેદાંત અને ફોક્સકોને ગુજરાતમાં સેમિકન્ડકટર પ્લાન્ટ નાંખવાની સમજૂતી કરી હતી. હવે ફોક્સકોન તેમાંથી ખસી ગઈ છે. જોકે આ બંને કંપનીઓ નવા ભાગીદાર શોધે તેવી શક્યતા છે.  

ફોક્સકોને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફોક્સકોન ભારત માટે પ્રતિબદ્ધ છે અને દેશમાં સફળતાપૂર્વક એક મજબૂત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમની સ્થાપના થાય તેવું ઇચ્છે છે. ફોક્સકોન અરજી કરવા માટે કામગીરી કરી રહી છે.  

ફોક્સકોન છેલ્લાં કેટલાંક સમયથી ચિપ મેન્યુફેક્ચરિંગમાં ક્ષેત્રમાં પ્રવેશ કરવાની યોજના બનાવી રહી છે. કંપની ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સક્રિય વાટાઘાટો કરી રહી છે. કંપની આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા પ્રતિબદ્ધ છે અને તે બીજા ભાગીદારો શોધી કાઢશે.  

સેમિકન્ડક્ટરની વૈશ્વિક રેસમાં પ્રવેશવાના પ્રયાસરૂપે ભારતે 2021ના અંતમાં $10 બિલિયનની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી હતી. આ યોજનાનો હેતુ પ્રોજેક્ટ ખર્ચના 50% સુધી પ્રોત્સાહનો આપીને ભારતમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ઉદ્યોગને વેગ આપવાનો છે.  

આઇફોન અને એપલની પ્રોડક્ટ્સ એસેમ્બલ કરવા માટે જાણીતી ફોક્સકોન અને વેદાંતે ગયા વર્ષે ગુજરાતમાં સેમિકન્ડક્ટર એન્ડ ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. 

ફોક્સકોનના જણાવ્યા મુજબવેદાંત સાથેના સેમિકન્ડક્ટર સંયુક્ત સાહસમાંથી ખસી જવાનો નિર્ણય પરસ્પરની એવી સંમતી પર આધારિત હતો કે પ્રોજેક્ટ ઇચ્છિત ગતિએ આગળ વધી રહ્યો નથીઅને તેમાં પડકારરૂપ અવરોધો હતાજે સરળતાથી દૂર કરી શકાયા નથી. જો કેફોક્સકોને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ગતિવિધિને નેગેટિવ ન માનવી જોઇએ.  

ફોક્સકોનની જાહેરાત પછી વેદાંત ગ્રુપે જણાવ્યું હતું કે તે પ્રોજેક્ટ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને નવા ભાગીદારો સાથે કામ કરશે. બીજી તરફ ભારતના કેન્દ્રીય પ્રધાનો અશ્વિની વૈષ્ણવ અને રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ફોક્સકોનની જાહેરાતથી ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદનની યોજનાઓ અથવા બંને કંપનીઓના વ્યક્તિગત બિઝનેસ પ્લાનને અસર કરશે નહીં.

LEAVE A REPLY

15 + 7 =